કચ્છ યુનિ. દ્વારા 25 જુનથી લેવાશે પરીક્ષાઓ: પરીક્ષા કેન્દ્રોમાં વધારો
- કોરોનાના લીધે તારીખોમાં ફેરફાર બાદ હવે
- વિદ્યાર્થીએ યુનિ.ની વેબસાઈટ પર ઓનલાઈન ગુગલ ફોર્મ ભરી પરીક્ષા કેન્દ્ર નિયત સમય મર્યાદામાં નક્કી કરવાનું રહેશે
ભુજ, તા.30 મે 2020,શનિવાર
ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિ. ભુજ દ્વારા વિવિધ વિદ્યા શાખાઓની રેગ્યુલર, રિપીટર, એકસર્ટનલ, એટીકેટીની વિવિધ સેમેસ્ટરની પરીક્ષાઓની પ્રારંભિક તારીખોમાં હાલની કોરોનાની મહામારીની પરિસ્થિતીના કારણે ફેરફાર કરવામાં આવેલ છે. શિક્ષણ વિભાગની તા.૨૪/૫/૨૦ના પત્રથી મળેલ સુચના અનુસાર યુનિ.ઓએ પરીક્ષાઓ તા.૨૫/૬/૨૦થી શરૂ કરવાની રહેશે.
સ્નાતક કક્ષાએ સેમેસ્ટર-૪ની પરીક્ષા લેવાની રહેતી નથી તેમને ... યોજના હેઠળ પરિણામ આપવામાં આવશે. અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ તા.૨૫/૬/૨૦થી શરૂ કરવામાં આવશે. વધુમાં, કોરોનાની મહામારીમાં સાવચેતીના પગલારૂપે તથા વિદ્યાર્થીઓની સરળતા ખાતર પરીક્ષા કેન્દ્ર વધારવામાં આવેલ છે. કુલ પાંચ પરીક્ષા કેન્દ્રો રાખવામાં આવશે.
જેમાં, રાપર, નખત્રાણા, આદિપુર, માંડવી અને ભુજનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીએ યુનિ.ની વેબસાઈટ પર ઓનલાઈન ગુગલ ફોર્મ ભરી પરીક્ષા કેન્દ્ર નિયત સમય મર્યાદામાં નક્કી કરવાનું રહેશે. ઓલ્ડ પેટર્નના તમામ પરીક્ષાર્થીઓનું પરીક્ષા કેન્દ્ર યુનિ.કેમ્પસ રહેશે.
આ અંગે કુલસચિવે વધુમાં જણાવ્યુ હતુ કે, હાલની પરિસ્થિતી તથા શિક્ષણ વિભાગની ગાઈડ લાઈન અનુસાર પરીક્ષા લેવાની હોઈ ફેરફારને આધિન રહેશે. વધુ વિગતો કચ્છ યુનિ.ની વેબસાઈટ પરથી ઓનલાઈન મેળવવાની રહેશે.