કચ્છમાં લોકડાઉન બાદ ઓનલાઈન છેતરપીંડીના બનાવોમાં વધારો થયો
- નોકરીની લાલચ આપી પૈસા પડાવતા
- મધ્યમ-લઘુ ઉદ્યોગમાંથી ખર્ચ ઘટાડવા કર્મચારીઓને છુટા કરાતા હાલત કફોળી
ભુજ, તા. 23 જૂન 2020, મંગળવાર
શહેરમાં ગંભીર પ્રકારના ગુનાઓ ધીરે ધીરે વધી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી છેતરપીંડીના ગુનામાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ઓનલાઈન છેતરપીંડી કરનારા અને ગુનાહિત માનસ ધરાવતા તત્વો હાલના સમયમાં વધુ સક્રિય થઈ ગયા છે જેના પરિણામે ક્યારેક નિર્દોષ આવા તત્વોની હડફેટે આવી જતા આર્થિક નુકશાની વેેઠી રહ્યા છે.
જિલ્લા મથક ભુજમાં ઓનલાઈન નોકરીની બાબતે યુવાને નાની રકમ ગુમાવી પરંતુ ઘણી વખત એવું પણ બનવા પામે છે કે ભવિષ્યનો વિચાર કરીને વાલીઓ પોતાના સંતાનની નોકરી માટે ઓનલાઈન ફેંક કંપનીને લાખો રૂપિયા આપી દેતા હોય છે અને જ્યારે સત્ય હકીકત બહાર આવે છે ત્યારે છેતરાયાનો પસ્તાવો માત્ર બચે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોના મહામારીમાં તકેદારી રૂપે લોકડાઉન બાદ અનલોક-૧માં દેશ વિકાસની હરણફાળ ભરશે એવા સરકારના આશ્વાસન વચ્ચે ઈન્ડસ્ટ્રીઝના આંકડા દર્શાવી રહ્યા છે કે, આગામી સમયમાં પડકારજનક રહેશે અને ખાસ કરીને મધ્યમ-લઘુ ઉદ્યોગો માટે ત્યારે કારોબારને પાટે ચડાવવા ખર્ચ ઘટાડવો પડશે અને આવા હેતુસર કર્મચારીઓને છુટા કરાતા નોકરીની શોધમાં ફરતા યુવાનોનો આવા તક સાધુ લેભાગુઓ માત્ર ખોટી કંપનીના નામે નોકરીની લાલચ આપી રૂપિયા પડાવી લેતા હોવાના બનાવો વધવા પામ્યા છે. તો ઘણા ગઠીયા દ્વારા ફોન દ્વારા પણ પોતાની કળાથી મોબાઈલ ધારકના ફોન હેક કરીને બેંકમાંથી રૂપિયા સેરવી લીધાની ઘટના પણ બનવા પામે છે.