ગાંધીધામમાં પાલિકા દ્વારા ફક્ત કાગળ પર જ વરસાદી નાળાની કામગીરી થઈ
- પ્રિ- મોનસુન કામગીરીમાં લાખોનો ખર્ચે કયાં કરાયો તે સવાલ
- આદિપુરના વહેણની સફાઈ કરવાના બદલે હાલ પણ ગંદકીના ગંજ ખડકાયેલા છે, વરસાદમાં સર્જાઈ મુશ્કેલી
ભુજ, તા.09 જૂન 2020, મંગળવાર
ગાંધીધામ નગરપાલિકા દ્વારા વરસાદી વહેણની સફાઈના નામે લાખોનો ખર્ચ ક્યાં કરાયો તે સવાલ ઉભો થયો છે. હાલે આદિપુરના તમામ વોર્ડના વહેણની હાલત ગંદકીયુકત છે.ત્યારે પ્રિ-મોનસુન સફાઈના નામે કોને લાભ લીધો તેની તપાસ કરાવાય તેવી માંગ ઉઠી છે.
આ અંગે મળતી માહિતી મુજબ આદિપુરના તમામ વોર્ડના નાલામાં ગંદકીના ગંજ પડયા છે. હાલે વરસાદની મોસમ બેસી ગઈ છે બીજીતરફ અહીં કોઈ સફાઈનું કામ જ નથી થયું. છેલ્લા બે વખત પડેલા વરસાદમાં સમગ્ર વહેણમાં પાણી અવરોધાઈ જતાં આસપાસના વિસ્તારના લોકોને સમસ્યાનો સામનો કરવો પડયો હતો.
લોકોએ સવાલ કર્યો હતો કે, પ્રિ-મોનસુન કામગીરીના નામે લાખોનો ખર્ચ દર્શાવાયો છે તો આદિપુરના નાલાની સફાઈ કેમ નથી થઈ તેનો જવાબ ચીફ ઓફીસર તથા નગરપતિ આપે . આ વખત ભારે વરસાદની આગાહી છે ત્યારે આ વહેણ થકી નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ભરાય તેવી સ્થિતી સર્જાશે તેવો ભય છે.
ચીફ ઓફીસર તાત્કાલિક અસરથી આદિપુરના પેક થઈ ગયેલા નાળાઓ સાફ કરાવીને કામગીરી કરાવે નહીં તો લોકો દ્વારા પાલિકામાં ધસી જઈને ઉગ્ર રજુઆત કરાશે. જાગૃતોએ જણાવ્યુ ંહતું કે, વહેણમાં જમા થયેલા કચરાના કારણે જીવજંતુનો ઉપદ્રવ વધ્યો છે જેથી રોગચાળો ફાટી નીકળે તેવી વકી છે.