Get The App

અંજારમાં તંત્રએ માર્કેટને તાળા મરાવ્યા તો રસ્તા પર જ શાકભાજી વેચાવા માંડયું!

- કાયદાકીય પગલાં નહી લેવાય ત્યાં સુધી કોઈ જ ફરક પડવાનો નથી

- તમાકુ-બીડીની દુકાનો વેપારીઓએ સ્વૈચ્છિક રીતે બંધ જ રાખી, યોગ્ય પોલીસ બંદોબસ્તના અભાવે માર્કેટમાં એકત્ર થતી ભીડ

Updated: May 20th, 2020

GS TEAM

Google News
Google News
અંજારમાં તંત્રએ માર્કેટને તાળા મરાવ્યા તો રસ્તા પર જ શાકભાજી વેચાવા માંડયું! 1 - image


અંજાર, તા.19 મે 2020, મંગળવાર

અંજાર તાલુકામાં અત્યાર સુધીમાં કોરોનાના ૧૧ કેસ નોંધાઈ ચૂક્યા છે. છતાં મોટાભાગના ગામોની બજારોમાં નિયમોનું પાલન થતું જોવા મળતું નથી. આ બાબત આગામી દિવસોમાં મોટુ જોખમ પેદા કરી શકે તેમ છે. તેના એક દાખલા સ્વરૂપ ઘટના જોઈએ તો અંજાર શહેરની શાકમાર્કેટમાં થતી ભીડને ધ્યાને લઈને તંત્રએ માર્કેટને તાળા મરાવી દીધા હતા. પરંતુ બીજા જ દિવસથી માર્કેટની બહાર એટલી જ ગીરદી વચ્ચે શાકભાજી અને ફળો વેચાવા માંડયા છે. ત્યારે આ અંગે કડક પગલા લેવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે.

અંજારની શાકમાર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોની અમલવારી ન થતી હોવાની ફરિયાદો બાદ નાયબ કલેક્ટર, ચીફ ઓફિસર, મામલતદાર, પીઆઈ વગેરેએ સાથે મળીને તપાસ કરતા હકીકતમાં તથ્ય જણાયું હતું. જેના પગલે નગર પાલિકા દ્વારા છૂટક શાકમાર્કેટને તાળા મારી દેવામાં આવ્યા હતા. જો કે માર્કેટ બંધ થતા હવે બહારના વિસ્તારમાં પાથરણા અને રેકડીઓ રાખીને શાકભાજી તથા ફળો વેચાઈ રહ્યા છે.

માર્કેટ વિસ્તારમાં થતી લોકોની ગીરદીમાં કોઈ ફરક પડયો નથી. આ ઉપરાંત શાકમાર્કેટ રોડ પર બજારમાં અન્ય દુકાનો પણ ચાલું હોવાથી ભીડમાં વધારો થાય છે. ત્યારે જ્યાં સુધી આવી ઘટનાઓમાં કાયદાકીય કાર્યવાહી નહીં કરાય ત્યાં સુધી કોઈ ફરક પડવાનો નથી, તેવી ટકોર જાગૃત લોકો કરી રહ્યા છે. બીજી તરફ આજે પણ સાંજે ચાર વાગ્યા પછી દુકાનો બંધ કરવાની હોવાછતાં પોલીસ તંત્ર છેક સવા પાંચ વાગ્યા પછી બજારમાં નિકળ્યું હતું. સવારથી જ પાન-માવા અને તમાકુની દુકાનો બહાર લાંબી કતારો લાગી હતી. જેમાં યોગ્ય પોલીસ બંદોબસ્તના અભાવે વેપારીઓએ ભયના કારણે દુકાનો ખોલવાનું જ ટાળ્યું હતું.

Tags :