કચ્છના પેટાળમાં ભારે હિલચાલ, ભચાઉ પાસે 10 મિનિટની અંદર ભૂકંપનાં બે આંચકા અનુભવાયાં
કચ્છ, તા. 15 જૂન 2020 સોમવાર
ગઈ કાલે રવિવાર તારીખ 14 જૂને ભચાઉ પાસે રાત્રે આઠ કલાક અને 13 મિનિટે 5.3ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો જે રાજકોટ અમદાવાદ મોરબી સહિત રાજ્યભરમાં અનુભવાયો હતો ત્યારબાદ પણ ધરતીના પેટાળમાં જબરદસ્ત હિલચાલ ચાલી રહી છે અને આજે બપોરે 12 કલાક 57 મિનિટે એ જ ભચાઉથી ઉત્તર-પૂર્વ 15 કીલોમીટરના અંતરે 4.6 ની તીવ્રતાનો અને ત્યારબાદ ચાર મિનિટ પછી ફરી એ જ વિસ્તારમાં 3.6ની તીવ્રતાનો ધરતીકંપ નોંધાયેલ છે.
જેના પગલે મોટી આફતના એંધાણ જણાતા લોકોમાં ભયની લાગણી પ્રસરી છે. ગઈકાલે ખાસ કરીને ફ્લેટમાં રહેતાં લોકો બહાર ધસી ગયા હતા. કચ્છમાં ભચાઉ પાસે ગઇકાલના જોરદાર ભૂકંપ પછી કચ્છના ભચાઉ ઉપરાંત ગઈકાલે રાત્રે ધોળાવીરા અને રાપર તથા આજે ફતેગઢ વિસ્તારમાં પણ ભૂકંપના આંચકા નોંધાયેલ છે. આજે બપોરે આવેલ 4.6 ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર બિંદુ પણ ગતરાત્રિની જેમ જમીનથી 10 કિલોમીટર ઊંડે આવેલું છે.