માંડવી, અબડાસા, નખત્રાણા પંથકમાં અડધો જયારે મુંદરાના સમાઘોઘા નજીક ગામોમાં ત્રણેક ઈંચ વરસાદ
- કચ્છના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ હાજરી પુરાવી
- સાયકલોનીક સરકયુલેશનના કારણે કચ્છમાં આગામી એકાદ-બે દિવસમાં હળવા-મધ્યમ વરસાદની આગાહી
ભુજ,રવિવાર
સાયકલોનીક સરકયુલેશનના કારણે કચ્છમાં એકાદ બે દિવસમાં હળવાથી માંડીને મધ્યમ વરસાદ થશે તેવી હવામાન ખાતાની આગાહી વચ્ચે આજે જિલ્લામાં અડાધાથી ત્રણેક ઈંચ વરસાદ નોંધાયો હતો. પશ્વિમ કચ્છમાં જોરદાર ઝાપટાથી માંડીને અડાધો ઈંચ જયારે મુંદરા તાલુકાના સમાઘોઘા આસપાસના ગામોમાં ત્રણેક ઈંચ વરસાદ વરસ્યો હતો. ભુજમાં દિવસભર વરસાદી આવરણ જોવા મળ્યુ હતુ.
અષાઢ માસનો પ્રારંભ થઈ ગયો હોવાથી કચ્છમાં પણ ગમે ત્યારે મુશળાધાર વરસાદ પડી શકે તેવી શકયતા વચ્ચે આજે સવારાથી વરસાદી વાતાવરણ બંધાયુ હતુ. આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. તો વહેલી સવારાથી વાતાવરણમાં પણ ભયંકર બફારો અને ગરમી અનુભવાઈ હતી પરિણામે, વરસાદની આશા બંધાઈ ગઈ હતી. જો કે, સર્વત્ર કચ્છમાં વરસાદ વરસ્યો ન હતો.
લખપત, અબડાસા, નખત્રાણા અને માંડવીમાં અડાધાથી લઈને પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. કચ્છમાં અન્યત્ર મેઘરાજાએ ઝાપટારૃપે હાજરી પુરાવી હતી. જયારે,મુંદરામાં ખાસ કરીને સવારાથી પોર્ટ, વાંકી પત્રી, લાખાપર, સમાઘોઘા, રામાણીયા, ભુજપુર, ઝરપરા, મોટી ખાખર, ટુંડા સહિતના ગામોમાં ધીમી ધારે તો કયાંક ઝાપટા પડયા હતા. બપોરના ભાગે સમાઘોઘા અને મોટી ખાખરમાં ધોધમાર વરસાદ પડયો હતો. સમાઘોઘા સહિતના નજીકના ગામોમાં ત્રણેક ઈંચ વરસાદ વરસતા સર્વત્ર પાણી ભરાઈ ગયા હતા. માંડવી પંથકમાં પણ અડાધા ઈંચ જેટલો વરસાદ થયો હતો. ભુજપુર, નાની ખાખર અને પ્રાગપર સહિતના વિસ્તારોમાં લોકોએ વરસાદની મજા માણી હતી. તો દિવસભર આખા કચ્છમાં વરસાદી વાતાવરણ રહ્યો હતો.