કંડલા સંકુલમાં ૭૦ ટકાથી વધુ ટિમ્બર યુનિટ બંધ : ફરી શરૃ થતા એક વર્ષ થશે
- લોકડાઉનથી અત્યાર સુધીમાં ૧૫૦૦ કરોડનું નુકશાન
- કામદારોના અભાવે ગાંધીધામ-કંડલા આસપાસના ૩૦ ટકા ઉદ્યોગો મર્યાદિત ક્ષમતા સાથે કામ કરતા થયા છે
ભુજ,શનિવાર
કોરોનાની મહામારીને અટકાવવા કેન્દ્ર સરકારે લીધેલા લોકડાઉનના પગલા કાબીલેદાદ છે. બીજીતરફ, લોકડાઉન સતત લંબાતા ૪૫-૪૫ દિવસોથી લોકોના નાના-મોટા તમામ વ્યવસાયો બંધ રહેતા વેપારી વર્ગની આર્થિક કમર ભાંગી ગઈ છે. કચ્છમાં ભુકંપ બાદ સેંકડો નાના મોટા ઉધોગોનું આગમન થયુ છે. ૨૪ કલાક અને ૩૬૫ દિવસ ધમધમતા રહેતા ઉધોગો લોકડાઉનના લીધે બંધ રહેતા કરોડો રૃપિયાની નુકશાની થવા પામી છે જેમાં, કચ્છમાં કંડલા નજીક આવેલા મોટા ટિમ્બર કલસ્ટરમાં સરકારે કામગીરી શરૃ કરવાની મંજુરી આપી હોવા છતા પણ ૭૦ ટકાથી વધુ ટિમ્બર યુનિટ બંધ થઈ ગયા છે.
કંડલા સંકુલમાં બંધ થયેલા આ ટિમ્બર યુનિટોને ફરીથી શરૃ કરવા માટે એક વર્ષ જેટલો સમય લાગી શકે છે. ૨૫ માર્ચે પ્રથમ લોકડાઉન થયો ત્યારથી માંડીને આજ દીન સુધી આ ટિમ્બર ઉધોગને અંદાજે રૃ.૧૫૦૦ કરોડનું નુકશાન થયો હોવાના અહેવાલ છે. મળતી માહિતી અનુસાર, રાજસ્થા, પંજાબ, દિલ્હી, ઉતર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી ગ્રાહકોની સંખ્યા ઓછી થઈ જવાના કારણે ઉધોગોને કરોડોની ખોટ વર્તાઈ રહી છે. લોકડાઉન-૨ બાદ સરકારે સોવિંગ મિલો અને પ્લાયવુડ એકમોને શરૃ કરવાની મંજુરી આપી હતી. તેમ છતા ટિમ્બર ઉધોગોમાં લગભગ ૮૦ ટકાનો ઘટાડો થતા મોટાભાગના એકમો હજુ બંધ હાલતમાં છે. વળી, પરપ્રાંતીય મજુરોની હિજરત શરૃ ચુકી હોવાથી સોવીંગ મિલો અને પ્લાયવુડ ઉત્પાદકોને ઝડપથી કામ શરૃ કરવુ મુશ્કેલ બનશે.
કંડલા બંદર નજીક ૧૦૦થી વધુ પ્લાયવુડ એકમો અને ૨૦૦૦ સો મીલ
કંડલા બંદરની નજીકમાં લગભગ ૧૦૦થી વધુ પ્લાયવુડ એકમો અને લગભગ ૨૦૦૦ મીલો છે. જેમાં, એક લાખ જેટલા પરપ્રાંતીય કામદારો રોજીરોટી મેળવે છે. આ મજુરો મોટાભાગે ઓડિસા, આંધપ્રદેશ, બિહાર, ઉતર પ્રદેશ, રાજસ્થાનના કામદારો છે. જો કે,હાલમાં કામદારોના અભાવે કંડલા-ગાંધીધામ આસપાસના ૩૦ ટકા ઉદ્યોગો મર્યાદિત ક્ષમતા સાથે કામ કરી રહ્યા છે. દર વર્ષે કંડલા સ્થિત ટિમ્બર ઉધોગ વિવિધ દેશોમાંથી આશરે ૪૦ લાખ ઘનમીટર લાકડાની આયાત કરે છે. જે ભારતની લાકડાની આયાતના ૬૫% કરતા વધારે છે.