પરપ્રાંતીય લોકોને ઉશ્કેરવા બદલ બિહારના ત્રણ યુવકોની ધરપકડ
- ગાંધીધામમાં વતન જવાની માંગ સાથે
ભુજ,ગુરૃવાર
ગાંધીધામમાં પરપ્રાંતીયોને ઉશ્કેરવા બદલ ત્રણ બિહારી યુવકોની પોલીસે ધરપકડ કરી હતી. વતન જવા માટે ટ્રેન દોડાવવાની માંગ સાથે ગત રોજ સાંજે ગાંધીધામમાં હજારો શ્રમિકોનો ટોળો રોડ પર આવી ગયો હતો અને રસ્તો બ્લોક કરીને પથ્થરમારો કર્યો હતો. આ ઘટના સંદર્ભે ગાંધીધામ બી ડીવીઝન પોલીસે બિહારના ત્રણ યુવકો સામે ગુનો નોંધીને ધરપકડ કરી હતી.
ટોળાને ઉશ્કેરવા બદલ પોલીસે રોશનકુમાર નવલપ્રસાદ યાદવ(૨૫), જીતેન્દ્ર વિજયમલ મહંતો(૨૦) અને અનિલ શિવદયાલલાલ યાદવ(૫૭) નામના શખ્શ સામે ફરિયાદ નોંધી હતી. આ ત્રણેય યુવકો સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટની કલમ ૫૪ તેમજ એપિડેમિક ડીસીઝ અને કલેક્ટરના જાહેરનામા ભંગ સહિતની વિવિધ કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓએ જાહેરમાં માણસો એકત્ર કરીને યુપી-બિહાર જતી ટ્રેનો સરકારે રદ કરી હોવાના સુત્રોચ્ચાર કર્યા હતા. લોકડાઉનના પગલે સોશ્યિલ ડિસ્ટન્સ રાખવાનું હોવા છતા ટોળા થકી નિયમોનો ભંગ થયો હતો.