F.I.R નોંધાવવાની કામગીરીમાંથી મુક્તિ આપોઃ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર
- કચ્છમાં કવોરન્ટાઈનના ભંગ બદલની
- સતત ડયુટીના કારણે માનસિક તાણ ભોગવતા અને એકથી વધુ ગામડાઓનો ચાર્જ હોવાથી મૂળ ફરજ સાથે વધારાની કામગીરી ભારણરૃપ હોવાથી ડીડીઓ પાસે રજુઆત
ભુજ,રવિવાર
કોરોનાની મહામારીને ટાળવા માટે આરોગ્ય કર્મચારીઓ સતત ફરજ બજાવી રહ્યા છે. મૂળ કામગીરી ઉપરાંત વધારાની કામગીરી કરે છે અને વધારાના ગામોના ચાર્જના લીધે માનસિક તાણ પણ અનુભવી રહ્યા છે. આટલાથી ઓછુ હોય તેમ કવોરોન્ટાઈનનો ભંગ કરતા લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવાની કામગીરી પણ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરોને સોંપવામાં આવતા આ કામગીરીમાંથી મુક્તિ આપવાની માંગ કરી છે. વિવિધલક્ષી આરોગ્ય કર્મચારી (પુ.) મંડળ કચ્છ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરીને આ વધારાની કામગીરી નુકશાનકારક સાબિત થશે તેવી લાગણી વ્યકત કરી તેમાંથી મુક્તિ અપાય તેમ જણાવેલ છે.
કચ્છ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા મ.પ.હે.વ.(પુ)ને નોવેલ કોરોના વાઈરસની સાવચેતી અને તકેદારીના ભાગરૃપે કવોરન્ટાઈન કરેલ લોકોના કવોરોન્ટાઈન ભંગ બદલ એફ.આર.આઈ. નોંધાવવા માટે સક્ષમગણી અધિકૃત કરવામાં આવેલ છે. પરંતુ, આ વધારાની કામગીરીથી મ.પ.હે.વ(પુ) નારાજ થયા છે. કેમ કે, એક તો છેલ્લા બે માસથી કોરોના સંબંધિત વધારાની કામગીરી કરી રહ્યા છે. તેમાં આ વધારાની કામગીરી પરવડે તેમ નથી. વધુમાં, પોલીસ ફરિયાદ નોંધાવાથી તેઓના વ્યકિતગત સંબંધો પર પણ અસર પડે તેમ હોવાથી આમાંથી મુકિત આપવાની માંગ સાથે ડીડીઓને રજુઆત કરાઈ છે. વિવિધલક્ષી આરોગ્ય કર્મચારી(પુ.) મંડળ-કચ્છ દ્વારા આ અંગે રજુઆતમાં જણાવાયુ હતુ કે, એક મ.પ.હે.વ(પુ)ને એકથી વધારે ગામડાઓ સોંપાયેલ છે. અમુક વખત ચાર્જમાં રહેલ કર્મચારીઓ પાંચ સાત ગામોમાં સેવાઓ આપતા હોય છે. કોરોના મહામારીના કપરા સમયમાં છેલ્લા બે માસથી એક પણ રજા ભોગવ્યા વિના કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. સતત ડયુટીના કારણે માનસિક તણાવ ઉભો થયો છે. આવી પરિસ્થિતીમાં મ.પ.હે.વ(પુ)ને પોતાની મૂળ ફરજ સાથે કવોરોન્ટાઈન ભંગ બદલ એફઆરઆઈ નોંધાવવા જતા કામનું અત્યંત ભારણ અનુભવી શકે છે. કવોરોન્ટાઈન ભંગ બદલ એફઆરઆઈ નોંધાવવાની કામગીરી તેઓને રૃટીન ફરજમાં અને વ્યકિતગત રીતે નુકશાન પણ પહોંચાડી શકે છે. આમ, તાકિદે આ કામગીરીમાંથી મુકિત અપાય તેવી માંગ છે.