Get The App

પીવાના પાણીમાં કાપ મુકાતા અડધુ ભુજ પાણીની અછતથી પીડિત

- પાણીનો કાળો કકડાટ વકર્યો

- શહેરના અમુક વિસ્તારોમાં પુરતા પ્રેશરથી અને નિયમિત અપાતું પાણી : પાલિકાની વહાલા-દવલાની નીતિ

Updated: May 31st, 2020

GS TEAM

Google News
Google News
પીવાના પાણીમાં કાપ મુકાતા અડધુ ભુજ પાણીની અછતથી પીડિત 1 - image


ભુજ,તા.30 મે 2020,શનિવાર

જિલ્લા મથક ભુજમાં પાણી કાપને લઈને કાળો કકડાટ વકર્યો છે. શહેરમાં અડધુ શહેર પાણીથી વંચિત છે જેમાં એક તરફ દુષિત પાણી અને બીજી તરફ પાણીના કાપથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે છતાં પાલિકાના જવાબદારોના પેટનં પાણી નથી હલતું. ભુજવાસીઓ ભર ઉનાળે પાણી માટે ટળવળી રહ્યા છે તંત્ર પણ લોક ડાઉનને લઈને મોરચાઓ આવશે નહીં એ બાબત સારી રીતે જાણતું હોવાથી નિર્ભય અને નિશ્ચિત બનીને સમગ્ર પ્રશ્ને આંખ આડા કાન કરી રહ્યા છે.

દર વર્ષે ગરમીની સીઝન શરૂ થતા સુધરાઈ દ્વારા પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાતી હોવાનું સ્થાનિકો જણાવે છે. શહેરના અમુક વિસ્તારો પાલિકાના માનીતા હોય એમ નિયમિત અને નિયત સમયે પાણી વિતરણ કરાય છે. આમ પાલિકા દ્વારા પાણી વિતરણ વ્યવસ્થામાં કાપ માત્ર અમુક એરીયાને જ લાગુ પડતો હોવાનું પ્રતિત થાય છે. નિયમિત અપાતા પાણીના વિસ્તારમાં ચારથી પાંચ કલાક પાણી પુરતા ફોર્સ સાથે વિતરણ કરાતા આવા વિસ્તારોમાં પાણીનો બગાડ પણ બહુ થઈ રહ્યો છે. 

છેલ્લા લાંબા સમયથી સંસ્કારનગર, કૈલાશનગર, શક્તિનગર, રાવલવાડી સહિતના વિસ્તારોમાં આડેધડ સમયે દિવસે પાણી વિતરણ કરાય છે. તથા નગરપાલિકા દ્વારા અપાતું પાણી દુષિત હોવાની પણ અવારનવાર રાવ ઉઠે છે. વાલમેન દ્વારા વાલ્વ ખોલાયા બાદ કલાકો સુધી વાલ્વ બંધ ન કરાતા લોકોના ઘરોમાં પાણી ના ટાંકા ઓવરફલો થઈ માર્ગ ઉપર પાણી ફરી વળે છે. આ બાબતે જાગૃતોના મતે દરેક ઘરો ના ટાંકામાં એરબોલ બેસાડવાનું સુધરાઈ દ્વારા ફરજીયાત કરવંુ આવશ્યક છે.

ઉપરાંત પાણી વિતરણ મસયે જવાબદારો દ્વારા ચેકીંગ કરાતા જે ઘર પાસે પાણી વેડફાતું હોય એવા ઘરો સામે દંડકીય કાર્યવાહી થાય તો પાણીનો વેડફાટ બચે ઉપરાંત ત્રણ-ચાર દિવસે ચાર કલાક પાણી વિતરણ કરવા કરતા દરરોજ નક્કી સમય થયા મુજબ અને આખા શહેરમાં પુરતા પ્રેસરથી પાણી અપાય એવી લોક માંગ ઉઠી છે.

Tags :