આખો દિવસ લોકસંપર્ક સહિતના પ્રચાર પ્રસારમાં રોકાતા
ઉમેદવારો- કાર્યકરોને ખાવા પીવાના કોઈ જ ઠેકાણા ન હોવાથી તેમજ સતત દોડધામ રહેતી હોવાને કારણે માંદગી ફેલાઈ છતા 'આરામ હરામ હૈ'
અત્યારે અનેક ઉમેદવારો અને કાર્યકરો એવા છે જેમને
શરદી-ઉધરસ-તાવ-ગળા બેસી જવા સહિતની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ પ્રકારની
સ્થિતિ સર્જાતાં પ્રચારમાં કેવી રીતે પહોંચી વળવું તેનો પડકાર પણ અનેક ઉમેદવારો
સામે સર્જાઈ જવા પામ્યો છે. બીજી બાજુ જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ
કાર્યકરો અને ટેકાદારોના મેળાવડા પણ વધતાં જતાં હોવાથી વાયરલ ઈન્ફેક્શન અત્યારે
મોટી સંખ્યામાં ફેલાઈ જવા પામ્યું છે. બીજી બાજુ ઉમેદવારો અને કાર્યકરો
પ્રચાર-પ્રસાર, લોકસંપર્ક, પદયાત્રા સહિતના
કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાથી ભોજન લેવાના કોઈ જ ઠેકાણા રહેતાં ન હોવાથી તેમની
તબિયત ઉપર અસર પડી રહી છે.
ચૂંટણી ઢુકડી હોવાને કારણે માંદા પડયા બાદ આરામ કરવો શક્ય ન
હોવાને કારણે ઉમેદવારો અને કાર્યકરો દ્વારા ડાક્ટરો પાસેથી ઝડપથી સાજા થઈ શકાય
તેવી દવા અને જરૃર પડે તો તુરંત ઈન્જેક્શન લઈને પણ પ્રચાર-પ્રસારમાં ઢીલાશ ન આવે
તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
ડબલ તુને કારણે અત્યારે મોટી સંખ્યામાં લોકો માંદા પડી
રહ્યા છે અને અત્યારે દરેક હોસ્પિટલો તેમજ દવાખાનાઓ વાયરલ ઈન્ફેક્શનથી ઉભરાઈ રહ્યા
છે બરાબર ત્યારે જ નેતાઓ અને તેમના ટેકેદારો પણ માંદા પડવા લાગતાં પક્ષ માટે મોટો
પડકાર પણ સર્જાઈ રહ્યો છે. ચૂંટણીને કારણે નેતાઓ દ્વારા મોટી સંખ્યામાં જમણવારના
આયોજનો પણ કરવામાં આવી રહ્યા છે જેમાં કાર્યકરો તેમજ ટેકેદારોની ફૌજ ઉતરી પડતી હોય
છે જેના કારણે એક વ્યક્તિ બીમાર હોય તો તે બીજી વ્યક્તિને ઝડપથી ચેપ લગાડી શકે તેમ
હોવાથી બીમારી સતત વધી રહી છે.


