બે લોકોના મોત થયા બાદ રાપર અને દરશડી ગામ કવોરન્ટાઈન
- આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ
- કોરોનાગ્રસ્ત દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની આરોગ્ય ચકાસણી કરાશેઃ પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો
ભુજ,ગુરૃવાર
રા૫ર શહેરમાં કોરોના વાયરસના બે પોઝીટીવ કેસ નોંધાયા બાદ કન્ટેમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. તેમજ માંડવી તાલુકાના દરશડી ગામે પણ આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આજે કચ્છમાં સાત પોઝીટીવ કેસ નોંધાવા પામ્યા હતા જેમાં બે રાપર શહેરમાં દુબરીયાવાડીમાં રહેતા રૃકશાના સલીમભાઈ કુરેશી જેમનું મૃત્યુ જનરલ હોસ્પીટલમાં આજે થયુ હતુ. જે વિસ્તારમાં રૃકશાનાબેન રહેતા હતા તે રહેઠાણવાળા એરિયામાં આરોગ્ય નગરપાલિકા અને પોલીસ દ્વારા કન્ટેમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યુ હતુ. તેમના પરિવારના લોકો સંક્રમણમાં આવ્યા છે કે કેમ? એ અંગે તપાસ ચાલુ કરવામાં આવી છે. તો ખતીજાબેન આદમ ખત્રી કે જેઓ વાઘેલાવાસ રાપરના રહેવાસી છે. ઘણા લાંબા સમયથી સામખીયારી રહે છે.હોસ્પીટલમાં બે વખત છાતીમાં દુઃખાવો થતા સારવાર અર્થે આવ્યા હતા. તેમના પરિવારના સદસ્યોને ડોડીયાવાસ અને અન્ય સ્થળે મળ્યા હતા. એટલે આ મહિલા જે જે સ્થળે ગયા હતા તે વિસ્તારને આરોગ્ય તંત્ર દ્વારા તપાસ કરીને કવોરન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. માંડવીના દરશડી ગામના પણ પ્રૌઢનું કોરોનાથી મોત થયુ હતુ ત્યારે ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા કવોરન્ટાઈન કરાયુ છે અને આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસનો પણ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.