કચ્છમાં કોરોનાના નવા 9 કેસ : 8 દર્દીઓ સાજા થયા
- માંડવીમાં 4, ભુજ,ગાંધીધામ, રાપર, અંજાર તથા મુંદ્રામાં એક-એક કેસ
- અંજારનો પોલીસ કોન્સ્ટેબલ તથા રાપર પાલિકાનો કોમ્પ્યુટર ઓપરેટર ચેપગ્રસ્ત
- એક્ટીવ કેસ 110 જ્યારે કુલ પોઝિટિવ દર્દીનો આંક 357 : 9માંથી 6 કેસ લોકલ કોમ્યુનિટી ટ્રાન્સમીશનના
ભુજ, તા. 21 જુલાઈ 2020, મંગળવાર
કચ્છમાં કોરોનાનો આંક જેટ ગતિએ આગળ વધી રહ્યો છે. જેમાં આજે વધુ ૯ દર્દીઓનો ઉમેરો થતા કુલ પોઝિટિવ દર્દીનો આંક ૩૫૭ જ્યારે એક્ટીવ કેસ ૧૧૦ થઈ ગયા છે. આજે માંડવીમાં એક સાથે ૪ કેસ નોંધાવા ઉપરાંત ભુજ, રાપર,ગાંધીધામ,અંજાર અને મુંદરા એક એક કેસ આવ્યો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ માંડવીના લક્ષ્મી ટોકીઝ પાસે રહેતા પતિ-પત્નિને ચેપ લાગ્યો છે. ૬૧ વર્ષના સુભાશ તાતરીયા તથા ૫૬ વર્ષના નીનાબેન કોઈપણ હિસ્ટ્રી વગર ચેપનો ભોગ બન્યા છે. તો પુનડીમાં આવેલા નવજીવન ક્યોર સેન્ટરમાં રહેતા ૩૪ વર્ષના પર્દા પ્રવીણ શમાને કોરોના દર્દીના સંપર્કમાં આવ્યાથી સંક્રમણ થયું છે.
તો માંડવી તાલુકાના લાયજા મોટાના ૫૮ વર્ષના શરીફાબાજુ લંઘાનો રીપોર્ટ ખાનગી લેબમાં પોઝિટિવ આવ્યો હતો. ભુજમાં જેષ્ઠાનગરમાં રહેતા અને હિંમતનગરથી આવેલા ૪૮ વર્ષના સંજોગ સહારે, ગાંધીધામના ઉદય નગરની ઈફલો કોલોનીમાં રહેતા ૫૯વર્ષના જયંતીભાઈ પટેલ, અંજારની પોલીસ લાઈનમાં રહેતા ૨૮ વર્ષના કોનસ્ટેબલ નીકુંજ ધનુભા ઝાલા, રાપરના હલજી વાસમાં રહેતા ૩૨ વર્ષના પ્રીયાન ગોસ્વામી જે રાપર પાલિકામાં કોમ્પયુટર ઓપરેટરીને નોકરી કરે છે તે પણ કોરોનાનો શિકાર બન્યો હતો. જ્યારે મુંદરાના સુર્યા સોસાયટીમાં રહેતા ૩૫ વર્ષના દેવલ કાનજી મહેશ્વરીને સંક્રમણ થયું હતું. આ તમામ કેસ લોકલ ટ્રાન્સમીશનના નોંધાયા છે. તો બીજીતરફ ૮ લોકો સાજા થઈ જતાં તેઓને ઘરે રજા અપાઈ હતી. આમ, કચ્છમાં સાજા થયેલા દર્દીઓનો આંક ૨૨૯ થયો છે. જ્યારે અત્યારસુધી મોતનો આંક ૧૮ છે.