Updated: May 26th, 2023
ભુજ,ગુરૃવાર
રાજય શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો.૧૦ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું છે. જેમાં કચ્છ જિલ્લાનું પરિણામ ૬૮.૭૧ ટકા જાહેર થયું છે જેમાંથી એ વન ગ્રેડમાં ૧૦૯ વિદ્યાર્થીઓ રાજયકક્ષાએ ઝળહળતી સફળ મેળવી છે. આમ કચ્છ જિલ્લામાં સૌથી વધુ પરિણામ માંડવી પરીક્ષા કેન્દ્રનું ૭૪.૩૫ ટકા આવ્યું છે. તો સૌથી ઓછું પરિણામ ભચાઉ કેન્દ્રનું ૬૩.૩૭ ટકા આવ્યું છે. કચ્છ જિલ્લામાં કુલ ૧૯૮૭૬ પરિક્ષાર્થીઓ નોંધાયેલા હતા. જેમાંથી ૧૯૭૧૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગત વર્ષે ૨૦૨૨માં ૬૧.૨૮ % પરિણામ આવ્યું હતુ.
જેમાં એ ૧ ગ્રેડમાં ૧૦૯ વિદ્યાર્થીઓ, એ ટુ ગ્રેડમાં ૧૦૫૭ વિદ્યાર્થીઓ,બી ૧ ગ્રેડમાં ૨૫૧૪ વિદ્યાર્થીઓ બી- ૨ ગ્રેડમાં ૩૮૪૨ વિદ્યાર્થીઓ સી વન ગ્રેડમાં ૪૧૮૨ વિદ્યાર્થીઓ, સી ટુ ગ્રેડ માં ૧૭૭૦ વિદ્યાર્થીઓ ,ડી ગ્રેડમાં ૧૬૦ વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે.
તો કચ્છ જિલ્લામાં ૧૦% પરિણામ વાળી ૮ સ્કૂલ, ૨૦% વાળી ૮ સ્કૂલો, ૩૦ ટકા પરિણામવાળી ૧૭ સ્કૂલ ,૪૦% વાળી ૨૫ સ્કૂલ ૫૦% પરિણામ વાળી ૬૩ સ્કુલ, ૬૦ ટકા વાળી ૫૩, ૭૦ ટકા પરિણામ વાળી ૬૩ સ્કૂલ, ૮૦% વાળી ૮૦ સ્કૂલો, ૯૦ ટકા પરિણામ વાળી ૬૧ સ્કૂલો, ૯૯ ટકા પરિણામવાળી ૪૯ ટકા સ્કૂલ છે.૧૦૦ ટકા પરિણામવાળી ૧૪ સ્કૂલો છે.
કચ્છ જિલ્લામાંના ૦ ટકા પરિણામવાળી ૮ સ્કૂલો છે.ગત વર્ષે ૦ ટકાવાળી ૪ સ્કુલો હતી જેમાં આ વર્ષે ચારનો વાધારો થયો છે. જ્યારે સો ટકા સ્કૂલ નું પરિણામ ૧૪ સ્કૂલો છે જેમાં ગત વર્ષની સરખામણીએ એકનો વાધારો થયો છે.તો ૩૦ ટકા કરતા ઓછું પરિણામ ૨૩ સ્કૂલોનું છે. ગત વર્ષે આવી ૩૬ શાળાઓ હતી.
કચ્છ જિલ્લામાં સાત કેન્દ્રો આવેલા છે તે કેન્દ્રો વાઇઝ પરિણામ જોઈએ તો ભુજ કેન્દ્રનું પરિણામ ૭૪.૦૧%, અંજાર કેન્દ્રનું ૬૫.૮૧%, આદિપુર કેન્દ્રનું ૭૧.૫૪%, માંડવી કેન્દ્રનું ૭૪.૩૫% , મુંદરા કેન્દ્રનું ૭૧.૯૮%, ભચાઉ કેન્દ્રનું ૬૩.૩૭%, નખત્રાણા કેન્દ્રનું ૭૪.૦૬% આવ્યું છે.
આજે ભુજ સહિત કચ્છની જુદી જુદી સ્કૂલોમાં એ વન ગ્રેડ સાથે રાજયકક્ષાએ નમ્બર મેળવનાર વિદ્યાર્થીઓએ ખુશી વ્યકત કરી હતી. સ્કૂલનું સારું પરિણામ આવેલ હોય સ્કૂલોના આચાર્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ એક બીજાના મ્હો મીઠા કરાવ્યા હતા. અને શુભેચ્છા આપી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જાહેર થયેલ ધોરણ ૧૦ના પરિણામમાં કચ્છ જિલ્લો સમગ્ર રાજ્યમાં ૬૮.૭૧% સિદ્ધિ સાથે ૮મો ક્રમાંક મેળવતા જિલ્લા શિક્ષણાિધકારી સંજય પરમાર દ્વારા છાત્રો તેમજ શાળાઓને અભિનંદન પાઠવાયા હતા.
કચ્છના કેન્દ્રો પ્રમાણે પરિણામ
ભુજ કેન્દ્રનું પરિણામ ૭૪.૦૧%, અંજાર કેન્દ્રનું ૬૫.૮૧%, આદિપુર કેન્દ્રનું ૭૧.૫૪%, માંડવી કેન્દ્રનું ૭૪.૩૫% , મુંદરા કેન્દ્રનું ૭૧.૯૮%, ભચાઉ કેન્દ્રનું ૬૩.૩૭%, નખત્રાણા કેન્દ્રનું ૭૪.૦૬% આવ્યું છે.
છેલ્લા ત્રણ વર્ષનું પરિણામ
૨૦૨૦ ૫૬.૮૫ %
૨૦૨૨ ૬૧.૨૮ %
૨૦૨૩ ૬૮.૭૧ %
૧૦૦ % પરિણામવાળી શાળાઓ
૨૦૨૨ - ૧૩
૨૦૨૩ - ૧૪
૩૦ % પરિણામવાળી શાળાઓ
૨૦૨૨ - ૩૬
૨૦૨૩ - ૨૩
૦ % પરિણામ વાળી શાળાઓ
૨૦૨૨ - ૪
૨૦૨૩ - ૮
ગેરેજ ચલાવતા મેકેનીકના પુત્રએ 'એ - વન ગ્રેડ'માં સ્થાન મેળવ્યું
ભુજ : મધ્યમ વર્ગ પરિવારમાંથી આવતા અને ભુજની જેનાચાર્ય અજરામર ઉચ્ચ માધ્યમિક શાળાના પ્રજાપતિ દેવ નામના વિદ્યાર્થીએ ધોરણ ૧૦ ગુજરાતી માધ્યમમાં એવન ગ્રેડ મેળવ્યો છે. દેવે ૯૦.૬૭ ટકા માર્ક મેળવ્યા છે અને સમાજ અને શાળાનું ગૌરવ વાધાર્યું છે,શાળા પરિવારે વિધાર્થીને મીઠું મોઢુંકરાવ્યું હતું. દેવના પિતા બીપીનભાઈની ભુજ શહેરના ભીડ નાકા નજીક દેસલસર તળાવની પાળ પર ગેરેજની દુકાન છે ,તેઓ મેકેનિક છે,મધ્યમ વર્ગ પરિવારમાંથી આવતા દેવે સતત મહેનત કરી છે તેમની મહેનત પાછળ તેમના માતા પિતાનો સહયોગ છે. દેવની ઉમર ૧૫ વર્ષની છે,દેવ આગામી દિવસોમાં ઇલેક્ટ્રોનિક એન્જીનીનીયર બનવા ઈચ્છે છે,દેવ પોતાના પિતાને ગેરેજના કામમાં મદદ કરે છે,તે ધોરણ ૧૦ માં રાત દિવસ મહેનત કરી હતી,તે કહે છે કે મહેનત કરો તો પરિણામ અવશ્ય મળે છે. શાળાના પ્રિન્સિપાલ અનિલઘર ગુસાઈએ પણ દેવની કામગીરી અંગે પ્રશંશા કરી હતી,શાળા પરિવારે મીઠું મોઢું કરાવ્યું હતું. વિદ્યાર્થીની માતા જાગૃતિબેનએ જણાવ્યું હતું કે આજે તેમના માટે આનંદનો અવસર છે,મારો પુત્ર સારા માર્ક્સએ પાસ થયો છે તેના માટે અમને ગૌરવ છે
ડેન્ગ્યૂમાં મૃત્યુ પામેલી શહેનાઝ સ્કૂલમાં ટોપરઃ પિતાએ છબી પાસે રિઝલ્ટ મૂક્યું
ભુજ : કચ્છના સરહદી એવા ખાવડા નજીકના જામ-કુનરિયા ગામે જુદી જ કમનશીબી જોવા મળી. વિિધની વક્રતા એ છે કે, ધો. ૧૦માં ઉર્તિણ થઈ સ્કૂલમાં ટોપ-થ્રીમાં સૃથાન મેળવનાર દિકરી આ દુનિયામાં હયાત નાથી. ખાનગી બસ ચલાવતાં પિતાએ આજે પરિણામને દિકરીના ફોટા આગળ ધરીને આંસુ વહાવ્યા હતા. જામકુનરિયા માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી શહેનાઝે માર્ચમાં ધો.૧૦ની પરીક્ષા આપી હતી. પરિણામના એકાદ મહિના પૂર્વે શહેનાઝને તાવ આવ્યો હતો. શહેનાઝને સારવાર આૃર્થે ભુજમાં ખસેડાઈ ત્યાં તેનો ડેન્ગ્યૂનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ટૂંકી માંદગી બાદ તેનું નિાધન થયું હતુ. આજે ધો.૧૦નું પરિણામ જાહેર થયું તેમાં શહેનાઝ પોતાની શાળામાં ત્રીજા ક્રમે આવી છે પરંતુ પરિણામ જોવા તે હયાત ન રહી. આજે પિતાએ પરિણામને તેના ફોટા આગળ રાખીને દિકરીને તેની સિધૃધી રડતી આંખે અર્પણ કરી હતી.
ખેંગારપરની પરિણીતાએ ૧૧ વર્ષે ભણવાનું શરૃ કરી દસમુ પાસ કર્યું
ગાંધીધામ : અંજાર તાલુકાના ખેંગારપર ગામના રિદ્ધિબેન ગીરીશભાઈ ઠક્કરે જે તે સમયે અનિવાર્ય સંજોગોના કારણે ભણતર છોડવું પડયું હતું. પરંતુ કહેવાય છે ને કે અડગ મનના મુસાફરને હિમાલય પણ નાથી નડતો, તેમ ચાલુ વર્ષે ૧૧ વર્ષ બાદ ભણતર ચાલુ રાખવાના નિર્ણય સાથે એક્સટર્નલ સ્ટુડન્ટ તરીકે માત્ર ૨ મહિનાની તૈયારી વડે ધોરણ ૧૦ની પરીક્ષા પાસ કરી અન્યોને પ્રેરણાદાયી કાર્ય કર્યું છે. પોતે પરિણીત હોવાથી ઘરની જવાબદારી નિભાવતા અને પરિવારના સહકારના કારણે આ શક્ય બન્યું હોવાનું તેમણેજણાવ્યું હતું.