વાવાઝોડા વચ્ચે કચ્છમાં ૨૪ કલાકમાં ૩૪ પ્રસૂતાની સલામત પ્રસૂતિ કરાઈ
- અસરગ્રસ્ત તાલુકાઓમાં ૩૪ બાળકોનો જન્મ થયો
- વહીવટીતંત્ર દ્વારા ૫૫૦ પ્રસૂતાઓને આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવીઃ જેમાંથી ૩૮૨ પ્રસૂતાઓની સફળતાપૂર્વક ડિલિવરી કરાઈ

ભુજ, શુક્રવાર
કચ્છમાં બિપરજોય વાવાઝોડાની આફત સામે આગોતરી તૈયારીના ભાગરૃપે જિલ્લામાં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા અવિરત પ્રાથમિક આરોગ્ય સેવાઓ જળવાઈ રહે તથા અસરગ્રસ્ત વિસ્તારની પ્રસુતાઓની સલામતી હેતુ તેમને આરોગ્ય કેન્દ્રો ખાતે ખસેડવામાં આવી હતી. વાવાઝોડાની લેન્ડફોલની પ્રક્રિયા વન તેમજ વરસાદની કપરી સ્થિતિ છતાં પણ છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩૪ પ્રસુતાઓની સફળ ડિલિવરી કરાવાઈ છે.
જિલ્લા કલેકટરના આદેશ મુજબ જિલ્લાની તમામ સગર્ભા માતાઓનું વન ટુ વન મેપિંગ કરવામાં આવ્યું હતું. તમામ આરોગ્ય કર્મચારીને તમામ સગર્ભા માતાઓ સાથે વન ટુ વન લીંક કરવામાં આવી હતી. આકસ્મિક પરિસ્થિતિમાં પણ સગર્ભા માતાને સારવાર મળી શકે. નજીકની ઈ.ડી.ડી. (સંભવિત સુવાવડવાળી) સગર્ભા માતાઓ તથા અન્ય સગર્ભા માતાઓને જેમને પ્રસુતિની વાર તેઓને સલામતી માટે પી.એચ.સી, સી.એચ.સી. સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ કે ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે સ્થળાંતર કરવામાં આવી હતી. જેમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન તાલુકાઓમાં આરોગ્ય કર્મચારીઓની ફરજ અને કપરી પરિસ્થિતિમાં પણ કામગીરી થકી ૩૪ પ્રસુતાઓની સફળતાપૂર્વક ડિલિવરી થઈ છે. અંજાર તાલુકામાં ૬, અબડાસા તાલુકામાં ૩, મુન્દ્રામાં ૨, માંડવી તાલુકામાં ૫, ગાંમ તાલુકામાં ૨, ભચાઉ તાલુકામાં ૯, લખપત તાલુકામાં ૭ બાળકોનો જન્મ થયો છે. તંત્ર દ્વારા ૫૫૦ સગર્ભાઓને નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી. ગઈકાલ સુધી ૩૮૨ સગર્ભા મહિલાઓની સફળતાપૂર્વક પ્રસુતિ થઈ ચૂકી છે જ્યારે છેલ્લા ૨૪ કલાક દરમિયાન વધુ ૩૪ બાળકોનો જન્મ થયો છે.

