પશુપાલન અને પ્રાકૃતિક ખેતીના સમન્વય દ્વારા સ્વસ્થ જીવનશૈલી સાથે આર્થિક સમૃદ્ધિ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

• ગીર ગાય આધારિત આત્મનિર્ભર ખેતી મોડેલ, ૠતુવાર પાક આયોજન,
• પ્રાકૃતિક ખેતીમાં સૌથી મોટો ફાયદો ખેતીખર્ચ નિયંત્રણ છે. બિયારણ, ખાતર અને દવાઓ પાછળ થતો ખર્ચ ઘટવાથી નાની જમીનમાં પણ ખેતી લાભદાયી બની શકે છે.
• પ્રાકૃતિક ખેતીનો પ્રારંભ એકાદ-બે વીઘાથી પણ થઈ શકે
Agricultural News : આજની ખેતી અનેક પડકારોથી ઘેરાયેલી છે. રાસાયણિક ખાતર અને દવાઓના વધતા ખર્ચ, જમીનની ઘટતી ફળદ્રુપતા, બજારની અનિશ્ચિતતા અને માનવીય આરોગ્ય પર થતી અસર ખેડૂતો માટે મોટો પ્રશ્ન બની ગઈ છે. આવી પરિસ્થિતિમાં જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામના ભીખુભાઈ રામોલીયાનો અનુભવ બતાવે છે કે, જો ખેતીને વૈજ્ઞાનિક સમજ સાથે પ્રકૃતિના સિદ્ધાંતો આધારિત અપનાવવામાં આવે, તો મર્યાદિત જમીનમાં પણ ખેતી આત્મનિર્ભર અને ટકાઉ બની શકે છે. ભીખુભાઈ 10 વીઘા જમીનમાં સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરે છે અને ખેતી સાથે પશુપાલનનું સુમેળભર્યું સંકલન કરી ટકાઉ ખેતીનું મોડલ ઊભું કર્યું છે.
ભીખુભાઈ અગાઉ પરંપરાગત ખેતી કરતા હતા, પરંતુ સમય જતાં તેમને લાગ્યું કે વધતો ખેતીખર્ચ અને ઘટતી જતી ઉત્પાદકતા ખેતીને અસ્થિર બનાવી રહી છે. આથી તેમણે વર્ષ 2014 માં પ્રાકૃતિક ખેતી વિશે જાણકારી મેળવવાની શરૂઆત કરી અને વર્ષ 2015 માં સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતીમાં રૂપાંતર કર્યું. પ્રારંભિક વર્ષોમાં પડકારો આવ્યા, પરંતુ ધીરજ અને સતત પ્રયત્નથી આજે તેમની ખેતી સ્થિર બની છે અને તેમનો પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો આ દ્રઢ સંકલ્પ ખરો ઉતર્યો. તેઓનાં જણાવ્યા અનુસાર પ્રાકૃતિક ખેતી કોઈ ચમત્કાર નથી, પરંતુ એક પ્રક્રિયા છે, જેમાં જમીનને સમય આપવો પડે છે.
ખરીફ અને રવી બંને સિઝનમાં પાકવૈવિધ્ય પર ખાસ ધ્યાન આપે છે. ચોમાસાની ૠતુમાં ભીખુભાઈ મગફળી અને ડુંગળી જેવા પાકોનું વાવેતર કરી રહ્યા છે. મગફળી પ્રાકૃતિક ખેતીમાં ખાસ ઉપયોગી પાક છે, કારણ કે તે જમીનમાં નાઇટ્રોજન વધારવામાં મદદ કરે છે અને જમીનની રચનામાં સુધારો કરે છે. ડુંગળી પાકથી તેમને રોકડ આવક મળે છે, જે ખેતીખર્ચ સંભાળવામાં મદદરૂપ થાય છે. આ બંને પાકોમાં તેઓ જીવામૃત, ઘનજીવામૃત અને દેશી પદ્ધતિથી તૈયાર કરેલા દ્રાવણોનો ઉપયોગ કરે છે. રાસાયણિક ખાતર અને દવાઓથી દૂર રહેવાના કારણે ખેતીખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
તેમણે ગયા વર્ષે 4 વીઘા જમીનમાં ચોમાસું ડુંગળીનું વાવેતર કરેલ હતું. ગયા વર્ષના ઉત્પાદનની વાત કરતા તેઓ જણાવે છે કે, કુલ 500 મણ ડુંગળીનું ઉત્પાદન મળ્યું હતું, એ પ્રમાણે વીઘા દીઠ 125 મણ ઉત્પાદન મળેલ હતું. ડુંગળીનું વેચાણ તેઓએ રૂ. 300 પ્રતિ મણના ભાવે કરેલ હતું. તે મુજબ રૂપિયા 1,50,000ની આવક થયેલ હતી. ખેતીખર્ચમાં પિયત, નીંદણ, ડુંગળી ઉપાડવાની મજૂરી અને લણણી કરવાની મજૂરી આમ કુલ મળીને રૂપિયા 54,000 નો ખેતીખર્ચ થયેલ હતો. આવેલ કુલ આવકમાંથી ખેતીખર્ચ બાદ કરતા રૂપિયા 96,000ની ચોખ્ખી આવક થઈ હતી.
રવી ૠતુમાં ભીખુભાઈ ઘઉં, તુવેર અને ચણાની ખેતી કરે છે. તુવેર અને ચણા જેવા કઠોળ પાકો જમીનની તંદુરસ્તી માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આ પાકો જમીનમાં કુદરતી રીતે નાઇટ્રોજન ઉમેરે છે, જેના કારણે ઘઉં જેવા પાકને વધારાનું પોષણ મળે છે. ભીખુભાઈ પાક ફેરફાર અને મિશ્રપાક પદ્ધતિ અપનાવે છે, જેથી જમીન પર એક જ પાકનો ભાર ન રહે અને રોગ-જીવાતનું દબાણ પણ ઓછું થાય.
ગયા વર્ષે રવી ૠતુમાં 6 વીઘામાં ઘઉંનું વાવેતર કરેલ હતું. જેમાં વીઘાદીઠ 41 મણ ઉત્પાદન પ્રમાણે કુલ 250 મણ ઘઉંનું ઉત્પાદન તેમણે મળ્યું હતું. પ્રાકૃતિક ઘઉં હોવાથી વેચાણ માટે પહેલેથી જ ઓર્ડર મળતા રહે છે અને વેચાણ પણ પ્રાકૃતિક ઘઉંના બજાર ભાવ કરતાં પણ નીચા ભાવે કરે છે એટલે બધા જ ઘઉંનું વેચાણ ઘરે બેઠા જ ઓર્ડર મુજબ થઈ જાય છે. ઘઉંનું વેચાણ તેઓએ રૂપિયા 800 પ્રતિ મણના ભાવે કરેલ હતું. તે મુજબ રૂપિયા 2,00,000 ની આવક થયેલ હતી. ખેતીખર્ચમાં પિયત, નીંદણ અને ઘઉંની લણણી આમ કુલ મળીને રૂપિયા 18,000 નો ખેતી ખર્ચ થયેલ હતો. આવેલ કુલ આવકમાંથી ખેતીખર્ચ બાદ કરતા રૂપિયા 1,82,000નો ચોખ્ખો નફો તેમને મળેલ હતો.
પ્રાકૃતિક ખેતીમાં જમીન વ્યવસ્થાપન સૌથી અગત્યનું છે. આ વાત ભીખુભાઈ ખાસ ભારપૂર્વક કહે છે. તેઓ દર સિઝનમાં જમીનની સ્થિતિ અનુસાર પ્રાકૃતિક ઇનપુટ્સનો ઉપયોગ કરે છે. શરૂઆતમાં ઉત્પાદન થોડું ઘટ્યું હતું, પરંતુ બે-ત્રણ વર્ષ બાદ જમીન જીવંત બનતા પાકની ગુણવત્તા અને ઉત્પાદકતા બંનેમાં વધારો થયો છે.
આજે પાકોમાં રોગ-જીવાતનો ઉપદ્રવ પણ ઓછો જોવા મળે છે. પ્રાકૃતિક ખેતીમાં તરત જ મોટો નફો નહીં દેખાય, પરંતુ લાંબા ગાળે જમીન, પાકની ગુણવત્તા અને ઉપજમાં તેના લાભ અમૂલ્ય હોય છે. હવે તેઓ નિઃશંકપણે પોતાની કૃષિપેદાશ પોતાના ઘર ઉપયોગમાં લઇ શકે છે, સાથે સાથે ખેતીખર્ચ ઓછો રહેતા ખેતી પરનો આર્થિક બોજ પણ ઘટી ગયો છે.
ખેતી સાથે ભીખુભાઈ પાસે 4 ગીર ગાય છે, જે તેમની ખેતીનો મજબૂત આધારસ્થંભ છે. ગીર ગાયમાંથી મળતું ગોબર અને ગૌમૂત્ર ખેતીમાં ઉપયોગમાં લેવાતા હોવાથી બહારથી ખાતર ખરીદવાની જરૂરિયાત બિલકુલ રહેતી નથી. આશરે એક વર્ષ પહેલા કોઈએ રૂપિયા 5,51,000ની કિંમતની ઓફર કરી તેમની એક ગીર ગાયને ખરીદવાની ઇચ્છા દર્શાવી હતી. પરંતુ આટલી મોટી રકમ હોવા છતાં પણ તેમણે પશુ પ્રત્યેના પોતાના અઢળક પ્રેમના કારણે તે રકમનો અસ્વીકાર કર્યો હતો. આમ કરીને ભીખુભાઈએ પશુ પ્રત્યેની પોતાની સંવેદનશીલતા સાબિત કરી બતાવી. પશુ પ્રત્યેનો આટલો અઢળક પ્રેમ તેમના પરિવારમાં પણ ઉતર્યો છે. તેમની દીકરી ડો. ઉર્વશી બી. રામોલીયા પણ પશુચિકિત્સક બની અને હાલ જામકંડોરણામાં સરકારી વિભાગમાં પશુચિકિત્સક તરીકે સેવા આપી રહ્યાં છે.
ભીખુભાઈ પોતાના પશુઓને પોતાના જ ખેતરમાં ઉગેલ પ્રાકૃતિક બાજરી, મકાઈ અને મગફળીનો પાલો જેવા પોષણયુક્ત આહાર આપી રહ્યા છે. આથી ચારો ખરીદવાનો ખર્ચ બચે છે અને પશુઓને તાજો, ગુણવત્તાયુક્ત અને પોષક ચારો મળી રહે છે. પશુપાલન અને ખેતી વચ્ચેનો આ સંબંધ ખેતીખર્ચ ઘટાડવા ઉપરાંત ખેતીને વધુ ટકાઉ બનાવે છે.
ભીખુભાઈનું માનવું છે કે, પ્રાકૃતિક ખેતીમાં સૌથી મોટો ફાયદો ખેતીખર્ચ નિયંત્રણ છે. બિયારણ, ખાતર અને દવાઓ પાછળ થતો ખર્ચ ઘટવાથી નાની જમીનમાં પણ ખેતી લાભદાયી બની શકે છે. તેઓ કહે છે કે, પ્રાકૃતિક ખેતી અપનાવવી હોય તો એકદમ આખી જમીનમાં ફેરફાર કરવાની જરૂર નથી પરંતુ, એકાદ વીઘામાં પ્રયોગરૂપે શરૂઆત કરવી જોઈએ.
આ અનુભવ પરથી સ્પષ્ટ થાય છે કે, યોગ્ય આયોજન, ૠતુવાર પાક પસંદગી, પશુપાલન સાથે સંકલન અને પ્રાકૃતિક ઇનપુટ્સના ઉપયોગથી ખેતી આત્મનિર્ભર બની શકે છે. પ્રાકૃતિક ખેતી માત્ર પર્યાવરણ માટે નહીં પરંતુ ખેડૂતના જીવન માટે પણ લાભદાયક છે. યોગ્ય આયોજન, પાકવૈવિધ્ય, પશુપાલન અને કુદરત પર વિશ્વાસ રાખીએ તો ખેતી માત્ર આવકનું સાધન નહીં પરંતુ સ્વાવલંબન અને સ્વસ્થ જીવનશૈલીનું માધ્યમ પણ બની શકે છે.




