પ્રાકૃતિક ખેતી અપનાવવી જ રહી, ઉત્પાદન વઘશે, સારા ભાવ પણ મળશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Agriculture News : આજે ખેડૂત અને ખેતી અનેકવિઘ પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે. વરસાદના અનિશ્ચિત સંજોગો, જમીનની ઘટતી ફળદ્રુપતા અને વિસ્ફોટક ખેતી ખર્ચની વચ્ચે હવે ખેતી એક સતત વધતા જતા જોખમથી ઘેરાયેલી છે. આ સંજોગોમાં જો ખેતીને ટકાઉ બનાવવી હોય, તો તેનો એકમાત્ર ઉકેલ છે, પ્રાકૃતિક ખેતી.
પ્રાકૃતિક ખેતી એટલે એવી ખેતી પદ્ધતિ છે, જેમાં સૂક્ષ્મ જીવો, મિત્રકીટકો, પાકફેરબદલી, પ્રાકૃતિક ખાતર અને કુદરતી સ્રોતો અને પરંપરાગત પ્રાકૃતિક ખેતી પદ્ધતિના ઉપયોગથી જે તે પાકનું ઉત્પાદન કરવામાં આવે છે. રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ કે જિનેટિકલી મોડિફાઇડ (જી.એમ.) પાકનો ઉપયોગ બિલકુલ કરાતો નથી. ખેડૂત પોતાની જમીન, પશુ અને માનવ સંબંધોને સાથે લઈ ચાલે, તે જ છે સાચી પ્રાકૃતિક ખેતી.
આ પદ્ધતિનો મૂળ આશય છે જમીનની તંદુરસ્તી જાળવીને કૃષિ ઉત્પાદન જાળવી રાખવું. પાક ફેરબદલી, લીલો પડવાશ, કમ્પોસ્ટ, વર્મીકમ્પોસ્ટ અને સૂક્ષ્મ જીવાણુ દ્વારા જમીનની ભૂરચનામાં સુધારો જોવા મળે છે. જમીન એ માત્ર ખેતીનું માધ્યમ નથી, તે જીવંત તત્ત્વ પણ છે. જમીનમાં અસંખ્ય સૂક્ષ્મ જીવાણુ જીવન ધરાવે છે. પ્રાકૃતિક ખેતી એમને નુકસાન નહીં કરે, પણ ઉછેરે છે.
પ્રાકૃતિક ખેતીના પર્યાવરણીય લાભ
• જમીન આરોગ્યમાં વધારો : લીલો પડવાશ, ધાન્ય અને કઠોળ વર્ગની પાક ફેરબદલી વગેરેના કારણે જમીનને ખેડવાની જરૂરિયાત ઘણી ઓછી થઈ જાય છે. એટલે કે કુદરતી રીતે જ ખેડાણ ઘરાવતી જમીન જેવી જ જમીનની રચના કુદરતી રીતે જ થઈ જાય છે. જમીનની ભેજ ક્ષમતા વધે છે, માટીનું ધોવાણ પણ અટકાવે છે.
• જૈવવિવિધતામાં વધારો : જીવાતો અને કુદરતી પરજીવીઓ વચ્ચેનું સંતુલન જળવાઈ રહે છે.
• પાણીની ગુણવત્તા જળવાય : કૃત્રિમ એટલે કે રાસાયણિક દવાઓ અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ ન થતો હોવાથી પાણી ઝેરી નથી થતું.
• હવા અને હવામાન સુધારે છે : પ્રાકૃતિક ખેતીમાં કાર્બન ઉત્સર્જન ઓછું થાય છે તેમ જ વાતાવરણમાંથી કાર્બન શોષી પ્રાકૃતિક ખેતી ક્લાઇમેટ ચેન્જ સામે ઢાલ બનીને રહે છે.
• ખેતી અને પશુપાલન સાથે સંકલિત ખેતીનું માળખું વધુ ટકાઉ બનતું જાય છે.
જાગૃત બની રહ્યા છે ખેડૂતો, ફરક પણ દેખાશે જ
ગુજરાતની ખેતી અને અલગ અલગ એગ્રોક્લાઇમેટિક ઝોનના સંદર્ભમાં વાત કરીએ તો રાજ્યમાં અનેક વિસ્તારો એવું ઉદાહરણ આપે છે કે, જ્યાં રાસાયણિક ખેતીથી થતી નુકસાની સામે હવે ખેડૂત જાગૃત બન્યા છે. સૌરાષ્ટ્રના અમુક વિસ્તાર, કચ્છ, ઉત્તર ગુજરાત જેવા વિસ્તારોમાં પાણીની તંગી અને સખત જમીનની વચ્ચે પણ પ્રાકૃતિક પદ્ધતિ અપનાવવાથી ઊંડો ફરક જોવા મળ્યો છે.
આ સાથે જ, આર્થિક રીતે પણ પ્રાકૃતિક ખેતી નફાકારક છે. એક તરફ ખેડૂતના ખિસ્સામાંથી રાસાયણિક દવા અને ખાતરના ખર્ચ દૂર થાય છે, તો બીજી તરફ ખાસ કરીને શહેરોમાં કે નિકાસ બજારમાં પ્રાકૃતિક ઉત્પાદનોનો સારો, વધુ ભાવ મળે છે. આજે પ્રાકૃતિક લસણ, જીરૂ, તુલસી, મરચા અને ડુંગળી જેવા પાકોને માટે ઊંચા ભાવ મળે છે, જેનાથી નાની જમીન ધરાવતા ખેડૂતો માટે પણ તે નફાકારક સાબિત થાય છે.
પ્રાકૃતિક ખેતીનો વધુ એક મોટો લાભ છે, માનવ આરોગ્ય માટે સુરક્ષા. આજે ઘણી બિમારી પાછળનું મૂળ કારણ રાસાયણિક દવાઓથી પકવેલું અનાજ અને શાકભાજી છે. બીજી બાજુ પ્રાકૃતિક આહારના કારણે આવા નુકસાન ટાળીને શરીરમાં પોષણ મેળવવાની શક્યતા વધી જાય છે.
હા, પ્રાકૃતિક ખેતીના પ્રારંભમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે. જેમ કે, ઓછું ઉત્પાદન, પ્રમાણપત્રની સમસ્યા અને યોગ્ય બજાર સુધી નહીં પહોચવું. પણ હવે પી.જી.એસ. જેવી સ્થાનિક પ્રમાણપત્ર પદ્ધતિઓ, ખેડૂતોના સંઘ દ્વારા વેચાણ અને ઓનલાઈન માર્કેટિંગ જેવા વિકલ્પો પણ જોવા મળે છે. તેના કારણે પ્રાકૃતિક કૃષિ પેદાશનું માર્કેટિંગ અગાઉના સમયની સરખામણીએ વધુ સરળ બન્યું છે.
પ્રકૃતિ અને ખેતી વચ્ચેનો સંબંઘ જળવાવો જરૂરી
પ્રકૃતિ અને ખેતી વચ્ચે પરસ્પરના સંબંઘને અવરોઘવાનું કામ રાસાયણિક ખેતી દ્વારા થઈ રહ્યું છે. હવે જરૂર છે આ સંબંધને ફરી જીવંત બનાવવાની. પ્રાકૃતિક ખેતી એક એવી પદ્ધતિ છે, જે કૃષિ સાથે કુદરત દ્વારા મળેલ પર્યાવરણને જાળવે છે, ખેડૂતોના ખેતી ખર્ચને ઘટાડે છે અને ઉપજ સાથે આરોગ્ય પણ આપે છે.
જો આપણે જમીનને લાંબા સમય સુધી જીવંત રાખવી હોય, પાણી બચાવવું હોય અને ખેડૂતોને પોતાનું ખેતર જીવંત અને નફાકારક બનાવવું હોય તો પ્રાકૃતિક ખેતી જ વિકલ્પ છે.
વિશ્વમાં જે રીતે પ્રાકૃતિક ઉત્પાદનોની માંગ વધી રહી છે, એ જોતા ગુજરાતનો ખેડૂત પણ વૈશ્વિક બજાર સુધી પહોંચે એવું શક્ય છે, જો આજથી પ્રાકૃતિક ખેતી તરફ એક પગલું ભરશે તો આવી ખેતી ભવિષ્ય તો ખરી જ, વર્તમાન માટે પણ એક કૃષિ સમૃદ્ધિની દિશા છે. જેમ આપણા માટે લાંબું જીવન જીવવા તંદુરસ્તી જરૂરી છે એ જ રીતે જમીનને પણ જીવંત રાખવા તેનું સ્વાસ્થ્ય જળવાય તે ખૂબ જરૂરી છે. જમીન જીવંત હશે તો ખેડૂત પણ જીવી શકશે.
પડકાર અને તેના ઉકેલ
- પ્રાકૃતિક કૃષિ પેદાશની વૃદ્ધિ - પાકની ફેરબદલી, મિક્સ ક્રોપિંગ, સંકલિત ખેતી પદ્ધતિ અપનાવવી
- બજાર સુધી પહોંચ - કૃષિ-સંબંધિત સંસ્થાઓ સાથે સીધું જોડાણ, સહકારી મંડળીઓનો સંપર્ક
- પ્રમાણપત્ર પ્રણાલી જટિલ છે - પી.જી.એસ.થી સસ્તી અને સ્થાનિક પ્રમાણપત્ર વ્યવસ્થા ઉપલબ્ધ છે
- પ્રાકૃતિક કૃષિ પેદાશની માંગને પહોંચી વળવું - ગ્રાહક જાગૃતિ, બ્રાન્ડિંગ અને ઓનલાઇન વેચાણથી માંગમાં વધારો




