બાધરપુરાથી ડાભસર વચ્ચે પાણી પુરવઠાની લાઈનમાં ભંગાણ થતાં પાણીનો વેડફાટ
- નવી નખાયેલી પાઈપલાઈન બરાબર ફીટ ન કરાતા મુશ્કેલ
- ૪૫ ગામોને પાણી પુરુ પાડતી લાઈન તૂટી જતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા : તંત્રની બેદરકારી સામે રોષ
નડિયાદ, તા. 28 જૂન 2020, રવિવાર
ગળતેશ્વર તાલુકાના બાધરપુરા થી ડાભસર-કોસમ વચ્ચે નવી નાખેલી પાણીપુરવઠાની લાઇનમાં ભંગાણ થતા પાણીનો વેડફાટ થઇ રહ્યો છે.પાણી વેડફાટ થવાના કારણે ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે આ પાણી પુરવઠાની લાઇનમાંથી આશરે ૪૫ ગામોને પીવાનુ પાણી પુરુ પાડવામાં આવે છે.
ગળતેશ્વર તાલુકાના બાંધરપુરા થી નીકળી પાણી પુરવઠાની લાઇન ડાભસર,કોસમ ગામની સિમ વિસ્તાર થઇ વાડદ તરફ જાય છે.આ પાણી પુરવઠાની લાઇન મારફતે તાલુકાના આશરે ૪૫ ગામોને પીવાનુ પાણી પુરુ પાડવામાં આવે છે.જે ગામોમાં જમીનમાં ક્ષારવાળુ પાણી આવતુ હોય એવા ગામોને આ પાણી પુરવઠા યોજનાનુ પાણી પાઇપલાઇન મારફતે પહોચાડવામાં આવે છે.આ યોજના થકી પીવાના પાણીને પ્રાઘાન્ય આપવામાં આવે છે.તાલુકાના બાધરપુરા થી ડાભસર વાડદ,ડભાલી સહિતના ગામોમાંથી આ પાણીની લાઇન પસાર થાય છે.જો કે ઘણા વર્ષો થઇ ગયા હોવાના કારણે આ પાણીની પાઇપલાઇનો જર્જરીત થઇ છે.જેના કારણે અવાર નવાર પાણીની પાઇપ લાઇનોમાં પંચર પડવાની ઘટનાઓ પ્રકાશમાં આવે છે.
બાઘરપુરા થી ડાભસર-કોસમ-વાડદ ગામ સુઘીની નવી લાઇન તાજેતરમાં નાખવાની દરખાસ્ત પાણી પુરવઠા અધિકારીઓ કરી હતી.જેથી તાજેતરમાં નવી પાણીની લાઇન નાખવામાં આવી હતી.આ નવી પાણીની પાઇપલાઇન જ્યા નાખવામાં આવી હતી તે જગ્યાએ ચોમાસાનો પહેલો વરસાદ વરસ્તા જમીન બેસી ગઇ છે.આ ઉપરાંત પાઇપ લાઇનના સાંઘા બરાબર ફીટ ન કરવાના કારણે ખેતરોમાં પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. જેથી ખેતર માલિકો પોતાના ખેતરમાં વાવણી કરી શકતા ન હોવાનુ જણાવ્યુ હતુ.નવી પાણીની લાઇન નાખ્યા બાદ કોઇ અધિકારી,લાઇન મેન કે કોઇ સુપરવાઇઝર લાઇન જોવા ન આવતા હાલ લાખો લીટર પીવાનુ પાણીનો વેડફાટ થઇ રહ્યો છે.આ અંગે ખેડુતો અને સ્થાનિક લોકો ની માંગ છે કે વેડફાટ થઇ રહેલ પાણીને બંધ કરવામાં આવે અને તાત્કાલિક અસરથી પાણીની લાઇન રીપેર કરવાની માંગ કરી રહ્યા છે.