અનલોક-૧ની જાહેરાત તો થઈ પણ ડાકોર મંદિર ખોલવા અંગે ટ્રસ્ટીઓ મુંઝવણમાં
- સરકારની ગાઈડલાઈન મળી નથી : સોશિયલ ડિસ્ટન્સ-માસ્ક, દર્શનાર્થીઓને ટેમ્પરેચર જેવી બાબતોમાં ગૂંચવણ : મેનેજર
નડિયાદ, તા.1 જૂન 2020, સોમવાર
કોરોના વાયરસની મહામારીમાં રાજય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-૧ની જાહેરાત કરી છે.જેમાં તીર્થસ્થાનો આવનાર આઠમી મેના રોજ ખુલી શકે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે.આ સમયે સુપ્રસિધ્ધયાત્રાધામ ડાકોર મંદિરના ટ્રસ્ટીઓ ગુંચવણમાં મૂકાયા છે.
સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર ગુજરાત રાજયમાં બીજા ક્રમે આવે છે.પણ અહી ટ્રસ્ટી મંડળ વહીવટમાં છે અને ૧૮૫૩ ના બ્રિટીશ ગવર્મેન્ટના કાયદા મૂજબ ચાલે છે.માટે મંદિર કોઇ ખર્ચ કરી ના શકે.બીજી તરફ મંદિરમાં આવનાર દર્શાનાર્થીઓની સંખ્યા વધી જાય તો કંન્ટ્રોલ કરવાનુ કામ કોણ કરશે?,મંદિરમાં માસ્ક વગર ફરનાર ને દંડ કોણ આપશે?,અને મંદિરમાં આવનાર દર્શાનાર્થીનુ ટેમ્પરેચર કોણ માપશે? આવી અનેક બાબતોમાં મંદિર ટ્રસ્ટ ગુંચવણમાં મૂકાયું છે.
આ અંગે મંદિરના મેનેજર અરવિંદભાઇનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે પ્રસાશનના સહયોગ વિના મંદિર ખોલવુ અશક્ય છે.સરકારે મંદિર ખોલવાની ગાઇડલાઇન જાહેર કરી છે તે મંદિર ટ્રસ્ટ ને મળી નથી.પરંતુ સોશિયલ ડિસ્ટન્સ જાળવવુ, માસ્ક પહેરવુ જેવી બાબતો વર્તમાન પત્રોમાં વાંચી છે.માસ્ક પહેર્યા વગર મંદિરમાં કોઇ દર્શનાર્થી ફરતો હોય,અથવા કોઇ દર્શનાર્થીને ટેમ્પરેચર વધુ હોય આવી સ્થીતીમાં પ્રશાસન વગર મંદિર ખોલવુ મુશ્કેલી ભર્યુ છે.સરકારની ગાઇડ લાઇન ન આવે ત્યા સુધી મંદિર ખોલવુ મૂશ્કેલ છે.
મંદિર ખુલ્લેને લાખો શ્રધ્ધાળુ દર્શનાર્થે ઉમટી પડે તો મંદિરના એકલા કર્મચારીઓ શુ કરી શકે,આ બધી બાબતોને લઇ મંદિર કમિટી દ્વારા તંત્રને લેખિતમાં જાણ કરવામાં આવશે તેમ જણાવ્યુ હતુ.આ ઉપરાંત મંદિર દ્વારા સેનેટાઇઝર મશીન મૂકવાની તજવીજ હાથ ધરી છે.