ઠાસરા તાલુકાના વિંઝોલ ગામનો રસ્તો જર્જરિત થઈ જતા ગ્રામજનો પરેશાન
આશરે 3500ની વસ્તીને અવરજવરમાં તકલીફ છતાં તંત્ર કોઈ જ ધ્યાન આપતું નથી
નડિયાદ, તા.13 જૂન 2020, શનિવાર
ઠાસરા તાલુકાના વિંઝોલ ગામનો રસ્તો જર્જરીત થતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે અને સ્થાનિક લોકોને ફરીને જવાનો વારો આવ્યો છે. આ અંગે ગ્રામજનો દ્વારા તંત્રને અનેક રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ ન આવ્યું હોવાનું જણાવી રહ્યાં છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ઠાસરા તાલુકાના વિંઝોલ ગામનો રસ્તો છેલ્લા એક વર્ષથી તૂટી જવા પામ્યો છે. આ અંગે ગ્રામજનો દ્વારા વારંવાર લેખીત તેમજ મૌખિક રજૂઆત જીલ્લા પંચાયત અને માર્ગ અને મકાન વિભાગને કરવામાં આવી છે. છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. વિંઝોલ ગામનાં આશરે પાંત્રીસો જેટલા લોકો દરરોજ આ રસ્તાનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત નાના બાળકો અને સ્કુલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ પણ આ રસ્તાનો ઉપયોગ કરી રહ્યાં છે. જ્યારે ડાકોર તથા સિંમલજના ગ્રામજનોની ખેતીની જમીનો આવેલી છે. પરંતુ જીલ્લા પંચાયતના ડેપ્યટી એન્જીનીયર દ્વારા વિંઝોલના રસ્તા અંગે આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
ગત ચોમાસામાં ડેપ્યુટી એન્જીનીયર દ્વારા વિંઝોલ ગામના રસ્તાની મુલાકાત લીધી હતી તેમ છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. આ અંગે સીમલજ અને વિંઝોલના રહીશોએ જણાવ્યું હતું કે ગામમાં કોઈ આકસ્મિક ઘટના બને તેના જવાબદાર કોણ? આ ઉપરાંત ગ્રામજનોએ ચિમકી ઉચ્ચારી છે કે એક મહિનામાં આ રસ્તાનું કામ કરવામાં નહિં આવે તો બંને ગામનો રહીશો ગાંધી ચિંધ્યો માર્ગ અપનાવશે. જ્યારે વિંઝોલના ગ્રામજનોએ જણાવ્યું હતું કે, આ રસ્તો બંધ કરવાામં આવે તો અમારે પાંચ કિ.મી. દુર ફરીને ડાકોર જવું પડે છે.આ અંગે જીલ્લા પંચાયતના ડેપ્યુટી એન્જીનીયર પી.બી. પરમારનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે આ બાબતની મને જાણ છે અને હું ત્યાં જઈને પુરાણ કરાવી આવ્યો છું. અને જોખમી રસ્તો હોવાથી બંધ કરાવી દીધો છે. પરંતુ ગ્રામજનો ખોલી નાખે છે તેમાં અમે શું કરીએ?
આ ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે આ રસ્તા પર પોલીસ તોના બેસાડી રખાય ને? તેમ જણાવ્યું હતું.