Updated: May 22nd, 2023
- નડિયાદની નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીના આપઘાત કેસમાં ખૂલાસો
- 'હું તને પગે પડું છું, મને માફ કરી દે ' તેવી યુવતીની આજીજી છતાંય યુવક ધમકીઓ આપતો રહ્યો
ડાકોર : ડાકોરમાં ગત તા. ૧૨ મે ના રોજ નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીના આપઘાત કેસમાં નવો ખુલાસો સામે આવ્યો છે. જેમાં વિધર્મી યુવકે વિદ્યાર્થિનીનું શારીરિક શોષણ કરીને, યેનકેન પ્રકારે માનસિક ત્રાસ આપીને આપઘાત કરવા મજબૂર કરી હતી. આ મામલે યુવતીના મોબાઇલના ઓડિયો કોલ રેકોડિંગના આધારે યુવતીના પિતાએ ડાકોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિધર્મી યુવકની ધરપકડ કરી હતી. શનિવારે તેને કોર્ટમાં રજૂ કરતા આરોપીના બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરાયા હતા.
ડાકોરમાં રહેતી અને પોલીસ કોન્સ્ટેબલની દિકરી નડિયાદની દિનશા પટેલ કોલેજ ઓફ નર્સિંગમાં બીએસસી નર્સિંગમાં અભ્યાસ કરતી હતી. યુવતીને પેટલાદ તાલુકાના ચાંગા ગામે રહેતા અબ્દુલ્લા અકબર મોમીન નામના મુસ્લિમ યુવક સાથે પરિચય થયો હતો. ડાકોરથી રોજ નડિયાદ કોલેજમાં અપડાઉન કરતી યુવતીને યુવકે ભોળવી તેનું શારીરિક શોષણ કર્યું હતું.યુવકના અસહ્ય ત્રાસ અને બદનામ કરી દેવાની ધમકીઓથી ત્રસ્ત યુવતીએ આખરે ગત તા. ૧૨ મે ના રોજ ડાકોરમાં ઘરમાં જ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવતીના મા-બાપ, ભાઇ બધા વતનમાં લગ્નપ્રસંગે ગયા હતા. યુવતીની કોલેજની પરીક્ષા ચાલતી હોવાથી તે ઘરે એકલી હતી. ત્યારે તેણે આપઘાત કરી લીધો હતો.
અંતિમવિધી પતાવ્યા બાદ યુવતીનો મોબાઇલ પિતાએ ચેક કરતા તેમાંથી અનેક કોલ રેકોડિંગ મળી આવ્યા હતા. જેમાં યુવતી ચાંગાના અબ્દુલ્લા નામના યુવક સાથે વાતો કરતી હોવાનું સામે આવ્યું હતું.
યુવતીને ભોળવીને આરોપીએ તેનું શોષણ કર્યું હોવાનું બહાર આવ્યું હતું.
યુવતીએ તેની સાથેના સંબંધો તોડી નાંખતા યુવક તેને યેનકેન પ્રકારે હેરાન કરતો હતો. યુવતીને સ્ક્રોર્પિયન કિંગ ઇન્સ્ટ્રાગ્રામ આઇડી વાળા કોઇ છોકરા સાથે સંબંધો છે તેવા આક્ષેપો કરીને સતત હેરાન કરતો હતો. તારા ઘરે બધાને તારા સંબંધની વાત કરી દઇશ, કોલેજમાં બધાને કહી દઇશ, કોલેજ બંધ કરાવી દઇશ, અને તને કોલેજમાંથી રસ્ટીકેટ કરાવી દઇશ તેવી ધમકીઓ અબ્દુલ્લા સતત આપ્યા કરતો હતો.
કોલ રેકોડિંગના અન્ય અંશોમાં વિધર્મી યુવક અબ્દુલ્લા યુવતીને ફોન પર ધમકાવતા જણાવી રહ્યો છે. મારી પાસે તારો વડતાલનો વીડિયો છે, મે પ્લાનિંગથી આ બધુ કરેલ છે, તું જે છોકરા સાથે વાતો કરે છે તેની સાથે મને વાત કરાય તો તને છોડી દઇશ, તુ આજે કોલેજમાં રજા પાડું છું કે નહીં, તને બરબાદ કરીને છોડીશ , મારો ફોન એક રિંગમાં ઉઠાવી લેજે વગેરે ધમકીઓ આપતો હોવાથી આખરે હારી થાકીને હતાશ થઇ ,ત્રાસી કંટાળીને ડાકોરની વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો હોવાનું ફરિયાદમાં તેના પિતાએ જણાવ્યું હતું.
યુવતી પોક મુકીને રડતી રહી, પપ્પા પપ્પા બોલતી રહી છતાંય યુવક તેને ધમકીઓ આપતો રહ્યો
તે કુરાને શરીફના કસમ ખાઇ મારી સાથે સંબંધ બાંધ્યા, હું મરી જઇશ, હું.. મરી જઇશ, મારી સાથે જુઠ્ઠું બોલીને કુરાને શરીફની કસમ ખાઇને સંબંધો બાંધ્યા છે, હું તને પગે પડું છું, તારા પગે પડી જઇશ, મને માફ કરી દે, ..માફ કરી દે મને.., હું મરી જઇશ. આજે તો હું નહીં બચું, મરી જઇશ, બધુ પ્રુફ રાખીને જઇશ, મારી નાંખી તે મને...
ફરિયાદમાં યુવતીના પિતાએ જણાવ્યું હતું કે તેમની દિકરી ખુબ જ જોર જોરથી પોક મૂકીને રડતી, રડતી મને યાદ કરતી કરતી પપ્પા પપ્પા બોલતી તેની પાસે આજીજી કરે છે. તેમ છતાંય અબ્દુલ્લા તેને ધમકીઓ આપી ઉશ્કેરણીઓ પર ઉશ્કેરણીયો કરતો રહે છે.