For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગ્રામજનોએ ભુમાફિયાઓ સામે સખત કાર્યવાહી કરવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

Updated: Mar 17th, 2023


- બેનરો સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા

- દાદાના મુવાડા ગામની જમીનના બારોબાર વેચાણ દસ્તાવેજ કરનારા ભુમાફિયાઓ સામે કાર્યવાહી કરવા માંગ

નડિયાદ : કઠલાલ તાલુકાના લસુન્દ્રાના દાદાના મુવાડા ગામની ભૂમાફિયાઓ દ્વારા ખોટી રીતે જમીન વેચાણના દસ્તાવેજ કરાવવામાં આવ્યા હતા. જમીન પચાવી પાડવા ગુનો આચરનારાઓ સામે કાર્યવાહી કરવા ગ્રામજનોએ દીવાની તેમજ ફોજદારી કાર્યવાહી કરી છે. આમ છતાં જમીન હડપ કરવાનું ષડયંત્ર રચનારા ભૂમાફિયાઓ સામે તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં  ન આવતા લોકો ચોંકી ઉઠયા છે. ત્યારે ખોટી રીતે જમીનના વેચાણ દસ્તાવેજના કેસોનો તાત્કાલિક નિર્ણય લેવા ગ્રામજનોએ કલેકટર સમક્ષ આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.

કઠલાલ તાલુકાના દાદાના મુવાડા તાબે લસુન્દ્રામાં રહેતા ચીમનભાઈ ધીમાભાઈ બારૈયા એ કલેકટરને આપેલ આવેદનપત્રમાં લસુન્દ્રાના રેવન્યુ સર્વે નં-૧૬૬૮ પૈકી ૧૬૭૦ પૈકી, ૧૬૭૧ પૈકી, ૧૬૬૩, ૧૬૬૪, ૧૬૬૭, ૧૬૭૨, ૧૬૭૩ તથા ૨૦૮૨ પૈકી વાળી જમીનોના ખોટી રીતે પાવર ઓફ એટર્ની હોલ્ડર તેમજ રજીસ્ટર વેચાણ દસ્તાવેજ ખોટી રીતે થયા હોઇ જેમાં ગામની દૂધ સહકારી મંડળી, આંગણવાડી તથા મંદિરો, રહેણાંક મકાનો હોવા છતાં   તેમજ રેકર્ડમાં બીજા હકમાં ખેડૂતોના ગણોત હક્ક દર્શાવેલા છે.  તેમ છતાં સરકારી બાબુઓની  ભૂમાફિયાઓ સાથેની કથિત સાંઠગાંઠથી ખોટી રીતે દસ્તાવેજો થયા હોવાની જાણકારી મળતા ગ્રામજનોએ ખોટા વેચાણ દસ્તાવેજ બાબતે રેવન્યુ રાહે જે તે ગુનો આચરનારાઓ સામે દીવાની તથા ફોજદારી કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ ગુનો આચરનારાઓ રાજકીય વગ ધરાવતા મોટા માથા હોઇ સરકાર દ્વારા આ ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવાને બદલે છાવરવામાં આવી રહ્યા છે. ત્યારે આ અંગે યુદ્ધના ધોરણે ગુના આચરનારાઓ સામે કાર્યવાહી કરવા માંગણી કરી છે. વધુમાં હાલમાં હંસપુરા (દસકોઈ અમદાવાદ) ની જમીનો બાબતે જમીનોના માલિકો જેમાં ૧૮ ઈસમોના અપહરણ થયાના મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા હતા. આ ગુનો આચરનારાઓ ચૌહાણ અભયસિંહ ગોવિંદસિંહ તથા જનકસિંહ કુંદનસિંહ ચૌહાણ, ચૌહાણ દિલીપસિંહ નટવરસિંહ (રહે. પીપળાવાળો વાસ, સિંગરવા તળાવ નજીક) તથા તેમના મળતીયાઓએ દાદાના મુવાડા લસુન્દ્રા ગામની જમીનો ખોટી રીતે રેકર્ડ સાથે ચેડા કરી દસ્તાવેજો બનાવ્યા છે. આ ટોળકીએ લસુંદ્રાના દાદા ના મુવાડા ગામની જમીનો હડપ કરવા કૃત્ય આચર્યું છે. જેથી આ માથા ભારે ભૂમાફિયાઓથી ગ્રામજનોના જીવનું જોખમ ઊભું થયું છે. 

ત્યારે આ સમગ્ર પ્રકરણમાં ખોટી રીતે વેચાણ થયેલી જમીનોના કેસોનો તાત્કાલિક નિકાલ લાવવા અને ભૂમાફિયાઓ સામે કાયદેસર કાર્યવાહી કરવા માંગણી કરી છે.

*જમીન માફિયાથી સરકાર બચાવે*ના સૂત્રોચારથી સેવા સદન ગુંજી ઉઠયું

કઠલાલ તાલુકાના લસુન્દ્રાના દાદાના મુવાડાની તમામ જમીન ના ખોટા દસ્તાવેજ કરી જમીન પચાવી પાડવાના ભૂમાફિયાઓના કૌભાંડે ભારે ચકચાર મચાવી છે. આ બનાવ અંગે દાદા ના મુવાડાના ગ્રામજનોએ 'આજે અમારા ગામ જમીન માફિયાઓએ ધસ્યુ, કાલે ઘર લઈ જશે' 'જમીન માફીયા થી સરકાર બચાવે',ન્યાય આપો, ન્યાય આપો જમીન માફિયાઓથી ન્યાય આપો ના ગ્રામજનોના ગગન ભેદી સૂત્રોચારથી સેવાસદન ગુંજી ઉઠયું હતું.

Gujarat