ડાકોરના નવા શાકમાર્કેટમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિક સમસ્યા વકરી
- પાલિકા તંત્રની બેદરકારીથી લોકોને હાલાકી
- પોલીસ તંત્ર પણ પાણીમાં બેસી ગયું : તહેવારોને લઇ લોકોની અવરજવર વધતા તાકીદે પગલાં લેવા માંગણી
નડિયાદ, તા. 1 ઓગષ્ટ 2020, શનિવાર
યાત્રાધામ ડાકોરમાં નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે ટ્રાફિકની સમસ્યા વકરી છે. નવનિર્મિત શાકમાર્કેટમાં થતા આડેધડ પાર્કિંગથી ટ્રાફિક જામ થઈ જવાના દ્રશ્યો રોજીંદા બન્યા છે.જ્યારે થોડા મહિના પહેલા નવા આવેલ પી.એસ.આઇએ શરૃ શરૃમાં રોફ જમાવવા દંડ ઉઘરાવ્યો હતો.આ બાદ પરિસ્થીતી જૈસે થે જેવી થઇ હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે.
ડાકોર શહેરમાં નવનિર્માણ પામેલ શાકમાર્કેટનું લોકાર્પણ તાજેતરમાં ખેડા-સાંસદ દ્વારા કરવામાં આવ્યું હતું. શહેરીજનો શાકભાજી તેમજ જીવનજરૃરી ચીજવસ્તુઓની ખરીદી સહેલાઇથી કરી શકે તે માટે નવીન શાકમાર્કેટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ તંત્રની ઘોર બેદરકારીને કારણે શાક માર્કેટમાં વારંવાર ટ્રાફિક જામ થવાની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે. શાક તેમજ જીવનજરૃરીયાતની વસ્તુઓની ખરીદી કરવા આવતા લોકો પોતાના દ્વિચક્રી વાહનો તથા કાર આડેધડ પાર્ક કરે છે.
લોકો દ્વારા થતા આડેધડ પાર્કિંગથી કાર ચાલકો અને શાકભાજી ખરીદતા ગ્રાહકોમાં વારંવાર કજીયા થયા કરે છે.
ઘણીવાર રાહદારીઓના પગમાં ગાડીની ટક્કર વાગતી હોય છે ત્યારે ઝગડાનું સ્વરૃપ આકાર લે છે અને લોકો જોવા ઉભા રહી જતા ભીડ તથા ટ્રાફિક જામ થાય છે. શરૃઆતમાં ડાકોર પોલીસ મથકે નવા આવેલા પી.એસ.આઇ દ્વારા આડેધડ પાર્ક કરતા વાહનચાલકો પાસેથી એક હજાર જેટલો દંડ કરી કાર્યવાહી થતી હતી પરંતુ હાલમાં ટ્રાફીક પોલીસ કોઈ કાર્યવાહી ન કરતા ટ્રાફિક તંત્ર નધણિયાત જેવું ભાસે છે.સ્થાનિકો જ્યારે આ સમસ્યાથી પરેશાન થઇ રહ્યા છે ત્યારે તંત્ર માત્ર તમાશો જોઈ રહ્યું છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
નગરપાલિકાના સત્તાધીશોની આળસને અને ગેરવહીવટને કારણે રહીશો યાતના ભોગવી રહ્યાં છે. કેટલાય સમયથી શાક માર્કેટમાં ટ્રાફિક જામ તથા કજીયા થવાની ફરિયાદો તંત્રને કરી હોવા છતાં તંત્રના મૌનને કારણે લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે.