ખેડા જિલ્લામાં કોરોનાના વધુ એક કેસ સાથે કુલ આંક 119 પર પહોંચ્યો
- સેવાલિયામાં રહેતા 82 વર્ષીય વૃધ્ધ કોરોનાનો શિકાર બનતા કરમસદમાં સારવાર હેઠળ ખસેડાયા
નડિયાદ, તા.18 જૂન 2020, ગુરુવાર
ખેડા જિલ્લામાં આજે વધુ એક કોરોના પોઝીટીવ કેસ જાહેર થતા જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીનો આંકડો ૧૧૯ પર પહોંચ્યો છે. જેમાં સેવાલીયાના લક્ષ્મી સોસાયટીમાં રહેતા એક પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
સેવાલીયા શહેરમાં આવેલ લક્ષ્મી સોસાયટીમાં રહેતા જશુભાઈ માધવભાઈ પટેલ ઉં.વ. ૮૨નો કોરોના રીપોર્ટ પોઝીટીવ જાહેર થયો છે. તેઓ પાંચ-છ દિવસ અગાઉ પગ લપસતા પડી ગયા હતા. જેથી તેઓ સારવાર માટે આણંદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માટે ગયા હતા.
જ્યાં તેમનો ડાયાબીટીસ તેમજ ન્યુમોનીયા આવ્યો હતો. આ બાદ તેમને કરમસદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં તેમનો ગત તા. ૧૬ જુનના રોજ કોરોના ટેસ્ટ લેવામાં આવ્યો હતો જે આજ રોજ પોઝીટીવ જાહેર થયો છે. આ અંગેની જાણ સેવાલીયા બ્લોક હેલ્થ ઓફીસર આર.એસ. પટેલ અને તેમની ટીમને થતાં તુરંત લક્ષ્મી સોસાયટીમાં આવી પહોંચી હતી.
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આસપાસમાં રહેતા તમામ ઘરની વ્યક્તિઓને ક્વૉરન્ટાઈન કર્યા હતા જ્યારે તેમના પરિવારના છ સભ્યોને ૧૦૮ મારફતે નડિયાદ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે ખસેડવામાં આવ્યા છે. દરમિયાન નડિયાદમાં પણ એક શખ્સને કોરોના થયો હવાની મોડી રાત્રે ખબર પડી છે. ખેેડા જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા ક્યારની ૧૦૦થી ઉપર પહોંચી ગઇ હોવાથી જિલ્લા આરોગ્ય તંત્ર ચિંતામાં પડી ગયુ છે.