નડિયાદમાં પાલિકાની જનતા લોકડાઉનની જાહેર અપીલને મિશ્ર પ્રતિસાદ મળ્યો
- કોરોનાનું સંક્રમણ બેકાબુ થતા અપીલ કરાઈ હતી
- પાલિકા તંત્ર દ્વારા આગામી તા. ૨૦ જુલાઈ સુધી બપોરે ૧૨ વાગ્યા સુધી દુકાનો બંધ કરી સ્વયંભૂબંધ પાળવા જણાવાયું હતું
નડિયાદ, તા.13 જુલાઈ 2020, સોમવાર
નડિયાદ નગર પાલિકા દ્વારા શહેરમાં વધતા જતા કેસો અંગે જનતા લોકડાઉનની જાહેર અપીલ ગત તા.૧૧ જૂલાઇના રોજ કરવામાં આવી હતી. જે અનુસંધાને આજે શહેરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો.જેમાં પાલિકા દ્વારા બપોરે ૧૨ વાગ્યા પછી દુકાનો બંધ કરી સ્વયંભૂબંધ પાળવા અપીલ કરાઇ હતી.
નડિયાદ પાલિકા દ્વારા નડિયાદ શહેરમાં દિનપ્રતિદિન કોરોના મહામારીના પોઝીટીવ કેસો વધતા જાય છે. જે અનુસંધાને નડિયાદના સૌ વેપારી મિત્રો, દુકાનદારો, ફેરિયાઓ, પાથરણાવાળાઓને વિનંતી કરવામાં આવી હતી કે પોતાનો વેપાર, ધંધા કે રોજગાર સવારના ૮ વાગ્યાથી બપોરના ૧૨ વાગ્યા બાદ જનતા લોકડાઉનનો અમલ કરે તેવી વિનંતી કરવામાં આવી હતી. જે આજથી આગામી તા.૨૦ ને સોમવાર સુધીના સ્વૈચ્છિક લોકડાઉન રાખે તેમ જણાવવામાં આવ્યું હતું.
જે અનુસંઘાને આજરોજ નડિયાદ શહેરમાં મિશ્રપ્રતિસાદ જોવા મળ્યો હતો. જેમાં શહેરની ડભાણ ભાગોળ, ગંજ બજાર, સંતરામ રોડની દુકાનદારોએ પોતાની દુકાનો બાર વાગ્યા બાદ બંધ રાખી હતી. જ્યારે સિંધી માર્કેટ, અમદાવાદી બજાર, ડુમરાલ બજાર, મીલ રોડ પર મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો જેમાં અમુક દુકાનો બપોર બાર વાગ્યા પછી ખુલ્લી જોવા મળતી હતી. આમ નગર પાલિકા દ્વારા શહેરીજનોને કરેલ અપીલને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જો કે શહેરના રસ્તા બપોર બાદ સૂમસામ ભાસી રહ્યાં હતાં.