નડિયાદ, તા.21 જુલાઈ 2020, મંગળવાર
ગળતેશ્વર તાલુકાના ડાભસર ગામના સીમ વિસ્તારમાં એક અનોખો લીલા રંગનો કાચીંડો જોવા મળ્યો છે. આ વાત વાયુવેગે ગ્રામજનો સુધી પહોંચતા ગ્રામજનો કાચીંડાને જોવા માટે ઉમટી પડયા હતા. જ્યારે આ અનોખા કાચીંડા વિશેની ચકચાર ટોક ઓફ ધ ટાઉન બની હતી.
વરસાદની સિઝન શરૃ થતાં જ અવનવા સરિસૃપો દેખા દેવા માંડે છે. એમાંય રંગ બદલતા કાચીંડા અવારનવાર જોવા મળે છે. સામાન્ય રીતે જોવા મળતા કાચીંડા વરસાદનો સંકેત આપે, તેનો રંગ લાલ થાય એટલે વરસાદ આવે તેમ વડીલો કહે છે. આ દેખાવમાં ભૂખરા રંગ જેવા લાગતા કાચીંડા લગભગ ઝેરી હોતા નથી.
પરંતુ લીલા કારેલા જેવો રંગ ધરાવતો આ લીલો કાચિંડો અત્યંત ઝેરી માનવામાં આવે છે. જો કરડે તો માણસ પાણી પણ ન માગે અને ત્વરિત મૃત્યુ પામે છે તેમ ખેડૂતો જણાવી રહ્યાં છે. આ લીલા કાચીંડા મોટાભાગે સીમ વિસ્તારમાં જોવા મળે છે. ગાંડા બાવળો તેમજ ગીચ ઝાડી વચ્ચે તેનું રહેઠાણ હોય છે. વળી લીલા કલરના હોવાથી નરી આંખે દેખાતા નથી. સામાન્ય રીતે કાચીંડા લોકોને જોતા ભાગી જાય છે પણ આ લીલા ચટ્ટાપટાવાળો કાચીંડો માણસને જોતા નજીક આવવાની કોશિષ કરતો હોય છે તેમ ખેડૂતો જણાવી રહ્યાં છે.


