કોરોના પોઝિટિવ મહિલાની 108 ની ટીમ દ્વારા સફળ ડિલિવરી કરાવાઈ
- નડિયાદ તાલુકાના ચકલાસી - રામપુરા ગામે
નડિયાદ, તા.28 જુલાઈ 2020, મંગળવાર
નડિયાદ તાલુકાના ચકલાસી-રામપુરા ગામે ૧૦૮ની ટીમે કોરોના પોઝીટીવ મહિલાની સફળ ડીલીવરી કરાવી છે. ત્યાર બાદ માતા અને બાળક તંદુરસ્ત હોવાથી નડિયાદ સીવીલ હોસ્પિટલમાં મોકલી અપાયાં છે.
કાળમુખા કોરોનાના કહેર વચ્ચે ૧૦૮ની ટીમ વહારે આવતા કોરોના પોઝીડટીવ મહિલાની સફળ ડીલીવરી કરાઈ હતી. ચકલાસીના રામપુરા ગામે રહેતી એક મહિલાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. તે ઉપરાંત આ મહિલા ગર્ભાવસ્થા ધરાવતી હતી. આજરોજ સવારે ૧૦૮ ઉત્તરસંડાને આ બનાવ અંગે જાણ કરવામાં આવી હતી. જેથી ૧૦૮ ટીમ તાત્કાલીક સ્થળ પર પહોંચી હતી અને મહિલાની સફળ ડીલીવરી કરવામાં આવી હતી. ગર્ભવતી માતાને સફળ ડીલવરી કરાવતા તંદુરસ્ત બાળક અવતર્યું હતું. જેથી માતા અને બાળકને કોવીડ-૧૯ની સારવાર અંતર્ગત સીવીલ હોસ્પિટલ નડિયાદ ખાતે રીફર કરાયા હતા. ઉપસ્થિત ગ્રામજનો અને કુટુંબીજનોએ ૧૦૮ સેવાને બિરદાવી હતી.
હાલમાં ચાલી રહેલ કોવીડ-૧૯ મહામારીમાં આરોગ્યકર્મીઓ તેમજ પોલીસકર્મીઓ કોરોના વોરિયર્સ તરીકે કામગીરી બજાવી રહ્યાં છે. તેવામાં નડિયાદની ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમે ઉત્કૃષ્ટ કામગીરી કરી એક સગર્ભાને સફળ ડીલીવરી કરાવી સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડયું છે.