નડિયાદમાં સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી જ દુકાનો ખૂલશે
- કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને લઈને વેપારી સંસ્થાઓનો સ્વૈચ્છિક નિર્ણય
નડિયાદ, તા.4 જુલાઈ 2020, શનિવાર
નડિયાદ શહેર અને તાલુકામાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાને લઈ સ્થાનિક વેપારીઓએ સ્વેચ્છાએ બજારો અમુક સમય સુધી જ ખોલવાના નિર્ણય કર્યા છે. આ ઉપરાંત નડિયાદ શહેરમાં સોમવારથી શાકભાજીના માર્કેટ, નડિયાદના મેઇન બજારો પંદર દિવસ સુધી અંશતઃ ખુલ્લા રહેશે. જ્યારે નડિયાદના ડુમરાલ બજારના વેપારીઓએ બજારો અંશતઃ ખોલવાના નિર્ણયને આજે રદિયો અપાતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે.
સોના-ચાંદીની દુકાનો સવારે ૯થી બપોરે ર વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે સોમવારથી આગામી પંદર દિવસ સુધી વેપારીઓને સહકાર આપવા અપીલ
ખેડા જિલ્લામાં છેલ્લાં ચાર-પાંચ દિવસથી કોરોનાના સંક્રમણને કારણે કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અનલોકડાઉન-૧ બાદ નડિયાદ અને ખેડા જિલ્લામાં કોરોનાના કેસો વધી રહ્યા છે. જે અનુસંધાને આજે નડિયાદ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સ્વેચ્છાએ બજારો ખોલવાનો સમય ઘટાડી દીધો છે. જે મુજબ અગાઉ સવારે ૮ થી સાંજે ૮ સુધી ખુલ્લી રહેતી દુકાનો સોમવાર ૬ઠ્ઠી જુલાઇથી ૨૦ જૂલાઇ સુધી સવારે૮ થી બપોરે ૪ સુધી જ ખુલ્લી રહેશે.
નડિયાદ શહેરના ચોક્સી મહાજન એસોસીયેશન દ્વારા કામકાજના સમયમાં ફેરફાર કર્યો છે. ચોક્સી મહાજન એસોસીયેશન તથા સોના-ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલ વેપારી તથા કારીગર મિત્રોને જણાવ્યું છે કે આગામી તા. ૬-૭-૨૦ને સોમવારથી તા. ૨૦-૭-૨૦ સુધી દુકાનના કામકાજનો સમય સવારે ૯ થી બપોરના ૨ કલાક દરમ્યાન ચાલુ રાખવાનું નક્કીકર્યું છે. દરેક વેપારી મિત્રોને આ મહામારીના સમયે સ્વૈૈચ્છિક પાલન કરી સાથ સહકાર આપવા મહાજન એસોસીયેશનના પ્રમુખે અનુરોધ કર્યો છે. નડિયાદ શહેરના મશીનરી એન્ડ ઈલેક્ટ્રીક મરચન્ટ એસોસીએશન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ વધતા જતા કોરોનાના કેસોને કારણે એસોસીએશન દ્વારા વેપારીઓને એક અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત જણાવ્યું છે કે આગામી તા. ૬-૭-૨૦થી ૨૦-૭-૨૦ સુધી દરેક વેપારીઓએ સવારે ૮ થી સાંજે ૪ વાગ્યા સુધી દુકાનો ખુલી રાખી શકશે.
એ જ રીતે શ્રી જનસેવા ટ્રસ્ટ દ્વારા અમુક સંસ્થાઓ બંધ કરવામાં આવી છે. આ અંગે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે સંતરામ મંદિર તથા સદ્વિચાર સમિતિ સંચાલિત સર્વે આરોગ્ય સંસ્થાઓ તા. ૭-૭-૨૦થી તા. ૧૯-૭-૨૦ સુધી બંધ રહેશે તેમ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
ડુમરાલ બજારમાં વેપારીઓનો વિરોધ, દુકાનો આખો દિવસ ખુલ્લી રહેશે
નડિયાદ, તા.4 જુલાઈ 2020, શનિવાર
નડિયાદના સંતરામ ટાવર નજીક આવેલ શહેરના હાર્દસમા ડુમરાલ બજાર મર્ચન્ટ એસોસીએશને ગત્ રોજ એક અખબારી યાદી બહાર પાડી બજારની દુકાનો સવારે ૮ થી ચાર વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાની જાહેરાત કરી હતી. પરંતુ આજે કેટલાક વેપારીઓએ આ બાબતે વિરોધ કરતા આ જાહેરાતને રદિયો આપી નવી અખબારી યાદી બહાર પાડી છે. જેમાં ડુમરાલ બજારની દુકાનો સોમવારથી રાબેતા સમય સવારે ૮ થી સાંજે ૮ સુધી ખુલ્લી રહેશે એવી જાહેરાત કરી છે.