નડિયાદના મિલરોડ પર તોફાની વાનરે 1 વ્યકિત પર હિંચકારો હુમલો કરતા ગંભીર ઇજા
- શહેરમાં 15 દિવસથી કપિરાજોનો તરખાટ
- 10 દિવસ અગાઉ વાનરોએ 10 થી વધુ લોકો પર હુમલો કરી બચકાં ભરી લેતા ફ્ફડાટ ફેલાયો હતો
નડિયાદ તા.19 જૂન 2020, શુક્રવાર
નડિયાદ શહેરના મિલરોડ પર આવેલ સુભાષનગરમાં કપિરાજે એક વ્યક્તિ પર હિચકારો હૂમલો કર્યો હતો.તેઓને ગંભીર ઇજાઓ પહોચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ અગાઉ તા.૮ જૂનના રોજ કપિરાજે ૧૦ થી વધુ લોકોને બચકા ભર્યા હતા.આમ છેલ્લા ૧૫ દિવસથી વાનરનો આંતક જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર નડિયાદના મિલ રોડ ઉપર આવેલ સુભાષનગરના ઘર નં. ૭/૫૧માં રહેતા નીતિનભાઈ બળદેવભાઈ પટેલ ઉ.વં. ૪૫ ઘરની બહાર નીકળવતા હતા તે જ સમયે તોફાની વાનરે આવી ચઢી નીતિનભાઈને જમણા પગમાં અને ડાબા હાથ પરં બચકું ભર્યું હતું. જેથી તેઓને તાત્કાલીક સારવાર અર્થે નડિયાદ સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં નીતિનભાઈને પગમાં ૨૦ ટાંકા અને ડાબા હાથે સાત ટાંકા આવ્યા હતા. ત્યારબાદ ગંભીર ઈજાઓ હોવાના કારણે નડિયાદ સીવીલ દ્વારા તેમને અમદાવાદ રીફર થવાનું જણાવ્યું હતું.
જેથી પરીવારજનોએ નીતિનભાઈને શહેરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા છે. તેઓને પગના ભાગે વધુ ઈજા હોવાના કારણે ઓપરેશન કરાવવું પડયું હતું.
આમ છેલ્લા કેટલાંય સમયથી નડિયાદ શહેરની જૂની અને નવી મીલ વિસ્તારમાં વસવાટ કરતા કપિરાજોમાંનો એક કપિરાજ હડકાયો થયો હોવાનું સ્થાનિક નાગરિકો જણાવી રહ્યાં છે. આ અગાઉ પણ આ કપિરાજે આ વિસ્તારમાં દસથી વધુ લોકોને ઘાયલ કર્યા હતા.
આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે વનવિભાગ દ્વારા તોફાની કપિરાજને પકડવા માટે પાંજરા મુક્યા છે પરંતુ આજદિન સુધી કપિરાજ પાંજરે ન પુરાતા સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. આ અંગે નીતિનભાઈએ જણાવ્યું હતું કે, આ કપિરાજને જલ્દીથીપકડી પાડવામાં આવે જેથી અન્ય કોઈ વ્યક્તિ ઉપર હુમલો ન કરે.
વનવિભાગની ટીમે આખરે વાનરને પાંજરે પૂર્યો
નડિયાદ શહેરના નવી અને જુની મફતલાલ મીલ અને આજુબાજુના વિસ્તારમાં કપિરાજના આતંકથી ઘણા લોકો ઘાયલ થયા છે. છેલ્લા પંદર દિવસથી વનવિભાગ કપિરાજને પકડવાનો પ્રયાસ કરતા હતાં ત્યારે આજરોજ કપિરાજ દ્વારા એક વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવતા તંત્ર સફાળુ જાગ્યું હતું અને મીલમાં આવી પાંજરાની મદદથી એક કપિરાજ પકડાયો હતો. જો કે કપિરાજને પાંજરાની જાળી વાગતાં ઘાયલ થયો હતો. જેથી વન વિભાગ દ્વારા પશુદવાખાને સારવાર અર્થે ખસેડાયો હતો. પરંતુ બીજો આતંકી કપિરાજ ન પકડાતાં વલ્લભ વિદ્યાનગર નેચર હેલ્પ ફાઉન્ડેશનને જાણ કરાતા ફાઉન્ડેશનના પ્રમુખ સહિત સભ્યો નડિયાદ દોડી આવ્યા હતા અને કપિરાજને પકડવાની જહેમત ઉઠાવી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે.