ઠાસરા શહેરમાં કોરોના પોઝિટિવના 2 કેસ નોંધાયાની સોશિયલ મીડિયામાં અફવા ઉડી
- આરોગ્ય અધિકારીએ સ્પષ્ટતા કરી કે બંને દર્દીઓ અમદાવાદના છે : સ્થાનિકોએ રાહતનો દમ લીધો
નડિયાદ, તા. 11 જુલાઈ 2020, શનિવાર
ઠાસરા શહેરમાં બે કોરોના કેસ પોઝીટીવ આવ્યા હોવાની ચર્ચાઓ આજે હોટેસ્ટ ટોક ઓફ ધ ટાઉન રહી હતી. આ અફવા સોશિયલ મિડિયામાં વહેતી થતા સ્થાનિકોમાં ફફડાટ વ્યોપ્યો છે. જો કે આ અંગે તાલુકા આરોગ્ય અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે આ બંને પોઝીટીવ દર્દીઓ ઠાસરાના નહીં પરંતુ અમદાવાદના છે. આથી સ્થાનિકોએ રાહતનો દમ લીધો છે.
ઠાસરા શહેરના શેઠવાડાના રહેવાસી પાર્થ અનિલભાઇ શેઠ અને નિલમ પાર્થ શેઠનો કોરોના રીપોર્ટ પોઝીટીવ જાહેર થયો છે તેવા સમાચાર ઠાસરા શહેરના સોશિયલ મિડિયામાં વહેતા થયા હતા.જે અંગે ઠાસરા તાલુકા આરોગ્ય અધિકારીએ સ્પષ્ટતા કરી છે.જેમાં જણાવ્યુ છે કે ઉપરોક્ત બંને વ્યક્તિઓ ઠાસરા શેઠવાડાના રહેવાસી છે.ગત તા.૧૨-૬-૨૦૨૦ ના રોજ તેઓના લગ્ન અમદાવાદના મેઘાણીનગર ખાતે કર્યા હતા.જેમાં સરકારની ગાઇડલાઇન અનુસાર અમદાવાદ મેઘાણીનગર થી ૨૦ માણસો ભેગા મળી ઠાસરાના એક પાર્ટી પ્લોટમાં ફુલહાર વિધિથી લગ્ન કર્યા હતા.આ બાદ તેઓ ઠાસરા શેઠવાડા ખાતે રહેતા હતા .
આ બાદ તેઓ ગત તા.૧૯-૬-૨૦૨૦ થી તેઓ સૌરાષ્ટ્ર ફરવા માટે ગયા હતા.અને સીધા પોતાની સાસરી અમદાવાદ ખાતે ગયા હતા.જ્યા તેમને તાવની અસર જણાઇ હતી.જેથી તેઓએ અર્બન હેલ્થ સેન્ટર મેઘાણીનગર ખાતે કોરોના ટ્રીટમેન્ટ કરાવી હતી.અને ત્યા તેઓનુ કોરોના ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યુ હતુ.જે પોઝીટીવ જાહેર થયુ હતુ.અહી છેલ્લા ૧૫ દિવસથી બંને વ્યક્તિઓ આવ્યા નથી અને કોઇની સાથે મુલાકાત કરી નથી.જેથી આ વિસ્તારને ક્વોરન્ટાઇન કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો ન હોવાનુ તાલુકા આરોગ્ય અધિકારીની અખબારી યાદીમાં જણાવ્યુ છે.આ ઉપરાંત આ વિસ્તારના લોકોનુ મેડિકલ ચેકઅપ રોજ કરવામાં આવશે તેમ જણાવ્યુ છે.આ ઉપરાંત ગત તા.૧૯-૬-૨૦૨૦ થી તા.૧૧-૭-૨૦૨૦ સુધી ઠાસરા આવ્યા નથી.