Gujarat

શાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું

By GS Team
21 Mar 20222 mins read
This article was originally published on 21 Mar 2022
શાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું

- ખેડા પંથકમાં છેલ્લા એક સપ્તાહમાં

- રોજિંદા વપરાશમાં આવતા લીંબુ અને મરચાનાં ભાવો આસમાને પહોંચ્યા 

નડિયાદ  : નડિયાદમાં શાકભાજીના ભાવમાં નોધપાત્ર વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયુ છે. રોજિંદા વપરાશમાં આવતા લીંબુ અને મરચાના ભાવો આસમાને પહોંચ્યા છે.

છેલ્લા એક સપ્તાહથી શાકભાજીના ભાવોમાં ઉછાળો આવતા લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. દિવસે દિવસે શાક ભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. ખાસ કરી લીંબુ તેમજ મરચાના ભાવોમાં ત્રણ ગણો વધારો થયો છે. ઊનાળાની તુમાં ખાસ કરી લીંબુની માગ સવિશેષ વધુ રહે છે. ઘરગથ્થુ ઉપરાંત ઠેર ઠેર સરબત રસના હાટડીઓમાં લીંબુનો ઉપયોગ સૌથી વધારે થાય છે. જેની સીધી અસર રિટેલ શાક માર્કેટમાં લીંબુના ભાવમાં જોવા મળી રહી છે. 

ગત સપ્તાહે રૂ.૨૦ કિલોના ભાવે વેચાતા લીંબુનો ભાવ આજકાલ રિટેલ શાક માર્કેટમાં રૂ ૭૦ કિલોનો થયો છે. અગાઉ પ્રતિ મણનો લીંબુનો ભાવ રૂ. ૫૦૦ હતો તે હોલસેલ માર્કેટમાં રૂ.૧૫૦૦ પ્રતિ મણ બોલાયો હતો. એજ રીતે મરચાના ભાવોમાં પણ તોતિંગ વધારો નોંધાયો છે. રિટેલ શાક માર્કેટમાં ગત સપ્તાહે મરચા પ્રતિ કિલો રૂ ૬૦ ભાવ હતો તે આજે રૂ.૧૫૦ પ્રતિ કિલો હતો. મરચાની અલગ અલગ જાતના ભાવોમાં દેખીતો કમરતોડ વધારો નોંધાયો છે.અગાઉ પ્રતિ મણનો મરચાનો ભાવ રૂ ૮૦૦ હતો.તે હોલસેલ માર્કેટમાં રૂ.૨૨૦૦ પ્રતિ મણ બોલાયો હતો. 

અન્ય તમામ શાકભાજીના ભાવમાં પણ દેખીતો વધારો જોવા મળી રહ્યો હતો. જેને કારણે ગ્રાહકો પરેશાન થઈ ગયા છે. ખાસ કરીને દૂધી, ભીંડા, કાકડી, કોબીજ સહિત તમામ શાકભાજીના ભાવ એક સપ્તાહની સરખામણીમાં રૂ.૧૦થી રૂ.૨૦ કિલો વધી ગયા છે. તો રીંગણ, કોબીજ, ફ્લાવરના ભાવ નિયત્રંણમાં રહ્યા હોય થોડી રાહત છે. વેપારીઓ કહે છે કે, માર્કેટમાં જેટલી ડિમાન્ડ છે.તેના કરતા ઓછી શાકભાજી આવી રહી છે. જેને કારણે પણ ભાવ વધેલા છે. જ્યાં સુધી શાકભાજીના પાકની આવક પર જોર નહિ આવે ત્યાં સુધી તેના ભાવમાં ઘટાડો શક્ય નથી. ઉનાળાની પારાવાર ગરમીને કારણે લીંબુ તેમજ મરચાનો પાક ઓછો ઉતરતા ભાવમાં વધારો થયો છે.વળી ટૂંકમાં રમઝાન માસ શરૂ થનાર છે.તેને કારણે પણ ભાવમાં વધારો ઝીંકાયો છે.