ખેડા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ
- અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશર અને નિસર્ગ વાવાઝોડાની અસરના પગલે
- પવનથી નડિયાદ શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી : સૌથી વધુ ખેડા તાલુકામાં 12 મીમી વરસાદ નોંધાયો
નડિયાદ, તા.2 જૂન 2020, મંગળવાર
ખેડા જિલ્લાના વડા મથક નડિયાદ સહિત કેટલાક તાલુકા મથકોમાં ગત્મોડી રાત્રે અને મંગળવાર બપોરના સમયે વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે પવન સાથે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.જેને કારણે જિલ્લાવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી.તો ક્યાંક ઝાડ ઘરાસાઇ થવાની ઘટના બની હતી.
અરબી સમુદ્રમાં સર્જાઇ રહેલ લો પ્રેશરની અસર ખેડા જિલ્લામાં જોવા મળી છે. આ નિસર્ગ વાવાઝોડુ આગામી તા.૩ થી ૬ જૂન સુધીમાં રહેશે તેમ હવામાન વિભાગ દ્વારા જાણવા મળ્યું છે. જિલ્લામાં ગતમોડી રાત્રે નડિયાદ સહિત કેટલાક તાલુકાઓમાં વરસાદ પડયો હતો.જ્યારે આજે મંગળવારની બપોરે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ગાજવીજ પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
જિલ્લા કલેકટર દ્વારા વાવાઝોડાની આગાહી સંદર્ભે જિલ્લાના તમામ મામલતદારોને એક પત્ર લખાયો છે.જેમાં જણાવ્યુ છે કે હવામાન ખાતા દ્વારા આગામી તા.૩ થી ૫ જૂનની વચ્ચે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે.આ સમય દરમ્યાન ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.આથી નીચાણવાળા વિસ્તાર કે જ્યાં પાણી ભરાવાની શક્યતા હોય ત્યાં પાણીના નિકાલ અંગે માસ્ટર પ્લાન મૂજબની જરૃરી વ્યવસ્થા તૈયાર રાખવા જણાવ્યુ છે.આ ઉપરાંત આ સમય દરમ્યાન તમામ તલાટીઓ પોતાના વિસ્તારમાં હાજર રહે તે અંગે ત્વરીત સૂચનાઓ આપવામાં આવી છે. આજે દિવસ દરમ્યાન ખેડા જિલ્લામાં મહુધામાં ૨ એમએમ અને નડિયાદ શહેરમાં ૭ એમએમ વરસાદ નાંેધાયો છે.જ્યારે અન્ય તાલુકામાં સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા.
આ પવન સાથે આવેલ વરસાદથી શહેરના મીલરોડ પર આવેલ સુભાષ નગરમાં લીમડો અને પીપડાનુ વૃક્ષ ઘરાસાઇ થયુ હતુ.જ્યારે નજીકમાં આવેલ એક ઓટો ગેરેજ પાછળ આંબલીનુ ઝાડ ઘરાસાઇ થયુ હતુ.જો કે આ બનાવમાં ઓટો ગેરેજને નુકસાન પહોચ્યુ હતુ.કોઇ વ્યક્તિને જાન બાની ન થઇ હોવાનુ સ્થાનિક લોકોએ જણાવ્યુ હતુ.