તારાપુરના ગોરાડમાં ખાનગી કંપનીના મોબાઈલ ટાવર નાખવા સામે વિરોધ

- રહેણાંક અને સ્કૂલ પાસે ટાવર ઉભો કરાતા જોખમ
- વિરોધ અંગે મામલતદાર સુધી રજૂઆત છતાં કાર્યવાહી નહીં, ગ્રામજનોની આંદોલનની ચિમકી
તારાપુર તાલુકાના ગોરાડ ગામે પરાના રહેણાંક વિસ્તારમાં અને પ્રાથમિક સ્કૂલ પાસે એક ખાનગી કંપનીના મોબાઇલ ટાવર બનાવવાની કામગીરી સામે ગામના રહીશોએ વિરોધ કર્યો છે. મોબાઈલ ટાવર ગોરાડ પ્રાથમિક શાળા અને પરાનાં રહેણાક વિસ્તારથી પાંચેક મીટર જેટલા અંતરે ઊભો કરવાની કામગીરી શરૂ કરાતા સ્થાનિક મહિલાઓ સહિતના ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. મોબાઈલ ટાવરના રેડિયેશનથી માનવશરીર અને પશુ પંખીઓ પર થતી આડ અસરોનાં કારણે અનેક ગંભીર બીમારીઓ થવાની શક્યતાઓ ને લઈ મોબાઇલ ટાવર ઉભો કરવાની કામગીરી તાકીદે અટકાવવા તારાપુર મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી છે. છેલ્લા ઘણાં સમયથી સ્થાનિક રહેવાસીઓનો વિરોધ હોવા છતાં કામગીરી બંધ ના કરાતા સ્થાનિકોએ ઉપવાસની ચિમકી ઉચ્ચારી છે.
ગોરાડ ગામના ગજેન્દ્રસિંહ ગોહિલ અને માયાબહેન ગોસ્વામીએ જણાવ્યું છે કે, અમારા રહેણાંક વિસ્તારમાં મંજૂરી વિના મોબાઇલ ટાવર ઉભો કરાય છે. પાંચ મીટરના અંતરે સ્કૂલ અને અમે રહીએ છીએ. અમારો વિરોધ હોવા અંગે મામલતદાર સુધી રજૂઆત પણ કરી છે. છતાં મોબાઇલ ટાવર નાખવામાં આવે છે. અને કોઈ કાર્યવાહી સરકાર તરફથી કરાઈ નથી. મોબાઈલ ટાવર નાખવાની કામગીરી અટકાવવામાં નહીં આવે અને અમને ન્યાય નહીં મળે તો અમે બાળકો સાથે ભૂખ હડતાલ પર બેસવાના છીએ.

