ગળતેશ્વરમાં ક્રિયાકાંડ વિધિ માટે યાત્રાળુઓ ઉમટી પડતા : સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન
- તંત્ર દ્વારા નિયમોનું પાલન કરાવાય તેવી માંગણી
- શ્રદ્ધાળુઓ માસ્ક પહેર્યા વગર જ મંદિર પરિસર અને બજારોમાં ફરતા હોવાથી સ્થાનિકોમાં ભય
નડિયાદ, તા.21 જૂન 2020, રવિવાર
યાત્રાઘામ ગળતેશ્વરમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ ક્રિયાકાંડ વિધિ કરવા માટેઉમટી પડયા છે.આથી સ્થાનિકોમાં ફફડાટ વ્યાપ્યો છે.આ યાત્રાળુઓ સરકારી ગાઇડલાઇનનુ ઉલ્લઘન કરવાની માંગ ઉઠી છે.
ગુજરાત રાજયના સુપ્રસિધ્ધયાત્રાઘામ પર્યટક અને ઐતિહાસીક સ્થળ ગળતેશ્વર મહાદેવ ખાતે યાત્રાળુ મોટી સંખ્યામાં આવી રહ્યા છે.મહિસાગર નદીમાં પોતાના સ્વજનોનુ મૃત્યુ થયુ હોય એવા લોકો ક્રિયાકાંડ કરવા માટે છેલ્લા બે અઠવાડિયાથી મોટી સંખ્યામાં આવે છે.યાત્રાળુઓ સવારમાં આવી બપોર સુધીમાં ક્રિયાકાંડ પતાવીને જતા હોય છે.આ ઉપરાંત અઠવાડિયાના શનિવાર અને રવિવારે મોટી સંખ્યામાં લોકો ક્રિયાકાંડ વિધિ કરવા માટે આવે છે.પરંતુ સરકારી ગાઇડ લાઇનનુ ઉલ્લઘન થતુ હોવાનુ સ્થાનિકો જણાવી રહ્યા છે.આ ઉપરાંત અહી આવતા યાત્રાળુઓમાં માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળે છે.જ્યારે સુરક્ષા કર્મચારીઓમાં પણ જી.આર.ડી જવાનો જ હાજર હોય છે.આ શ્રધ્ધાળુઓ માસ્ક વગર ફરે છે અને ક્રિયાકાંડ વિધિમાં પણ માસ્ક વગર બેસતા હોવાનુ નજરે ચડે છે.
આ ઉપરાંત શ્રધ્ધાળુઓ મંદિર પરિસર અને આજુબાજુની દુકાનોમાં માસ્ક વગર ફરતા હોવાના કારણે દુકાનદારોમાં ભય ફેલાયો છે.માસ્ક વગર ફરતા લોકોને દંડ કરી શકે તેવા કોઇ જવાબદાર અધિકારી ન હોવાના કારણે અહી આવતા યાત્રાળુઓ ગમે ત્યા માસ્ક વગર ટહેલતા જોવા મળે છે.જ્યારે ફરજ પર બે જી.આર.ડી જવાનો હોય છે પરંતુ તેમની પાસે માસ્ક ન પહેરનાર વ્યક્તિઓ પાસેથી દંડ વસુલ કરવાની સત્તા નથી.તેથી અહી આવતા લોકો સરકારી નિયમનોનુ ઉલ્લઘન કરતા જોવા મળે છે.
શ્રધ્ધાળુઓ મહીસાગર નદીમાં સ્નાન અને વિઘિ કરી ડાકોર મંદિર દર્શન કરવા માટે જતા હોય છે.જેથી સ્થાનિક નાગરિકોમાં ફફડાટ જોવા મળે છે.સ્થાનિકોની માંગ છે કે યાત્રાઘામ ગળતેશ્વર મહાદેવ ખાતે સરકારી ગાઇડલાઇનનુ ચૂસ્તપણે અમલ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.