ગળતેશ્વરના સોનીપુરામાં ભરઉનાળે પીવાના પાણી માટે લોકોને રઝળપાટ
- તંત્ર દ્વારા બોર બનાવાયા તેવી માગણી
- વણકરવાસ ગામના છેવાડે આવેલો હોવાથી ફળીયામાં ટપક પદ્ધતિથી માફક પાણી આવતું હોવાની રાવ
નડિયાદ, તા.31 મે 2020, રવિવાર
ગળતેશ્વર તાલુકાના સોનીપુરા ગામના વણકરવાસમાં પાણીની મોંકાણ સર્જાઇ છે.ગામના છેવાડે આવેલ ફળીયામાં ટપક પધ્ધતિથી પીવાનું પાણી આવતુ હોવાના કારણે આ વિસ્તારના લોકો મુશ્કેલીમાં મૂકાયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સોનીપુરા ગામમાં આવેલ વોર્ડનં-૨માં રહેતા અનુસુચિત જાતિના લોકોને નિયમિત પીવાનુ પાણી મળી રહેતુ નથી.ગ્રામ પંચાયતના વોટર વર્કસમાંથી પાણી મળતુ ન હોવાનુ જણાવ્યુ હતુ.
આ અંગે ગામના રસીકભાઇનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે સોનીપુર ગ્રામ પંચાયત ઓફીસની પાછળના ભાગે આવેલ ગામના વોટરવર્કસથી ૫૦૦ થી વધુ મીટરના અંતરે સાંગોલ ગામ તરફ જવાના રસ્તા પાસે આવેલ છે.આ ફળીયામાં ગામની પાણીની લાઇનમાં ૧૫૦ થી ૨૦૦ કનેકશનો છે.જેના કારણે સવારે નવ વાગ્યા થી બપોરના એક થી બે વાગ્યા સુધી પીવાનુ પાણી વોટરવર્કસનુ આવે છે.
જ્યારે આ વિસ્તાર ગામનો છેવાડા ભાગ હોવાથી સમયસર પાણી આવતુ નથી.આ ઉપરાંત સ્થાનિકો નાગરિકોએ જણાવ્યા અનુસાર આ સમસ્યા છેલ્લા બે-ચાર વર્ષોથી છે.પાણી ભરવાની રાહે ફળીયાની બહેનો ખેતરોમાં કે અન્ય કામે જઇ શકતી ન હોવાનુ જણાવ્યુ હતુ.આ ઉપરાંત પાણી ભરવા માટે ઇલેકટ્રીક મોટરો કામ ન કરતી હોવાનુ જણાવ્યુ હતુ.આ ફળીયામાં જ્યારે કોઇ લગ્ન પ્રસંગ કે અન્ય પ્રસંગ હોય ત્યારે પીવાનુ પાણી બહાર થી લાવવુ પડે છે.જ્યારે પીવાનુ પાણી ભરવા માટે રઝળવુ પડે છે.ગ્રામજનોની માંગ છે કે તંત્ર દ્વારા સંયુક્ત બોર બનાવી આપવામાં આવે તો પીવાના પાણીની સમસ્યામાંથી મૂક્તિ મળે તેમ જણાવ્યુ હતુ.