Updated: May 22nd, 2023
- પ્રિ-મોન્સુનની કામગીરીના નામે વેઠ ઉતારાઇ રહી છે
- ગટરોમાં કચરો ઠલવાઇ રહ્યો છે, ચોમાસામાં ગટરો બ્લોક થવાથી પાણી ભરાવાની સમસ્યા વકરશે
ચોમાસા અગાઉ કલેકટરના અઘ્યક્ષ સ્થાને પ્રીમોનસૂન કામગીરી માટે વિવિધ શાખાના અધિકારીઓની બેઠક યોજાઈ છે. આ બેઠકમાં ચોમાસામાં ભારે વરસાદના કારણે સર્જનારી પરિસ્થિતિને પહોંચી વળવા આયોજન કરવામાં આવતુ હોય છે.
જિલ્લામાં આવેલ કાંસ, સિંચાઈની નહેર, ગરનાળા વગેરેની સાફસફાઈ કરવામાં આવે છે. કાંસ ગરનાળા વગેરેની સાફ-સફાઈ પાછળ લાખો રૂપિયા નું આંધણ થાય છે. આમ છતાં દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. ત્યારે જિલ્લા કક્ષાની વિવિધ કચેરીઓ ધરાવતા સરદાર ભવન આગળ સ્લેબ ડ્રેનેજ આવેલ છે.
આ રોડની સાઈડમાં વરસાદી પાણીના નિકાલ માટેની સ્લેબ ડ્રેનેજ પરના મોટાભાગના ઢાંકણા તૂટી ગયા છે તો ઘણા ઢાંકણા ગાયબ થઈ ગયા છે. જેથી ગટર ગંદકી કચરાથી પુરાઈ રહી છે. જેના કારણે ચોમાસામાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા સર્જાવાની સંભાવના રહેલી છે. આ ઉપરાંત વાહનોની અવરજવરથી ધમધમતા રોડની સાઈડ પર ગટરના ઢાંકણા ન હોઇ પસાર થતા અબાલ વૃઘ્ધ રાહદારીઓ ગટરમાં પટકવાની સંભાવના રહેલી છે.
આ રોડ પરથી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ,ચૂંટાયેલા પ્રતિનિધિઓની સવાર સાંજ અવરજવર રહે છે. તેમ છતાં જિલ્લાના અધિકારીઓ સરદાર ભવન આગળની સ્લેબ ડ્રેઈનની સાફ-સફાઈ તેમજ તેની પર ઢાંકણા બેસાડવામાં ભારે બેદરકારી દાખવવામાં આવી રહી છે.
આમ પ્રીમોનસુન કામગીરી સામે પ્રશ્નો ઉઠવા પામ્યા છે. ત્યારે સત્તાધીશો દ્વારા સરદાર ભવન આગળની સ્લેબ ડ્રેઈનની સાફ સફાઈ તેમજ ઢાંકણા બેસાડવા પ્રબળ લાગણી વ્યાપી છે.