નડિયાદના બીજા દિવસે કોરોનાગ્રસ્તના મૃતદેહને અર્ધ બળેલો છોડાયો!
- મોતનો મલાજો જાળવવામાં પણ તંત્ર નિષ્ફળ, બેદરકારીના કારણે કોરોના સંક્રમણ વધવાનો ભય
- મૃતદેહનો પગ અર્ધબળેલી હાલતમાં જોવા મળતા સ્થાનિક રહેવાસીઓમાં તીવ્ર રોષ
નડિયાદ, તા.4 જુલાઈ 2020, શનિવાર
નડિયાદના જીઆઇડીસી સ્મશાનગૃહમાં આજે સતત બીજા દિવસે પણ એક કોરોનાગ્રસ્ત મૃતદેહને કર્મચારીઓ અર્ધ બળેલી હાલતમાં મૂકીને નાસી ગયા હોવાનો વિવાદ બહાર આવ્યો છે.ગત્ રોજ મોડી રાત્રે આવા જ એક દર્દીના અંતિમ સંસ્કાર બાદ અડધો બળેલો મૃતદેહ જોવા મળતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો હતો. અને પોલીસને બળપ્રયોગ કરીને અંતિમ સંસ્કાર કરાવવા પડયા હતા. આમ છતાં આજે વધુ એક વખત મૃતદેહનો પગ અર્ધબળેલી હાલતમાં જોવા મળતા ફરીથી સ્થાનિકોમાં વિવાદ વકર્યો છે. નડિયાદમાં કોરોનામાં મૃત પામેલ વ્યક્તિઓના અંતિમ સંસ્કાર શહેરના મહેમદાવાદ રોડ પર આવેલ જીઆઇડીસીના સ્મશાનગૃહમાં કરવામાં આવે છે.
ગત્ રોજ મોડી રાત્રે આ સ્મશાનગૃહમાં લવાયેલ એક ૯૨ વર્ષિય વયોવૃદ્ધના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પરંતુ આજે સવારે તંત્રની ગંભીર બેદરકારીને કારણે એ મૃતદેહનો પગ અર્ધ બળેલી હાલતમાં જોવા મળતા ફરી વખત આસપાસના રહીશોમાં રોષ વ્યાપ્યો છે. આજે એકતરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે આ રીતે કર્મચારીઓ દ્વારા જ કોરોનાગ્રસ્ત મૃતદેહોને આ રીતે છોડી દેતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપ્યો છે.
બે દિવસ અગાઉ પણ અડધી રાત્રે સરકારી કર્મચારીઓ એક કોરોનાગ્રસ્ત મૃતદેહને સ્મશાનગૃહમાં બાળવા લઇ ગયા હતા. જ્યાં સ્મશાનના કર્મચારીઓએ અડધી રાત્રે મૃતદેહને બાળવાની ના પાડતા કર્મચારીઓએ જાતે મૃતદેહને બાળવાનો પ્રયત્ન કર્યો હતો અને સળગતા મૃતદેહને ત્યાં જ છોડીને જતા રહ્યા હતા. બીજા દિવસે આ અડધા બળેલા મૃતદેહને કારણે સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો હતો. જેને કારણે બીજા મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લાવતા સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને એમ્બ્યુલન્સ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટના બાદ સ્થાનિક પોલીસે એ સ્મશાનગૃહ પર જઇને લાઠીચાર્જ કરતા મામલો શાંત પડયો હતો અને ત્યારબાદ મૃતકના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.