નડિયાદ પશ્ચિમમાં વાયર શિફ્ટિંગનું કામ બંધ કરવા ના. ઇજનેરને રજૂઆત
- ખેતરોમાંથી પસાર થતી લાઇનો કેટલાક લોકોના લાભ માટે શિફ્ટ કરાતી હોવાનો આક્ષેપ
નડિયાદ, તા. 21 જુલાઈ 2020, મંગળવાર
નડિયાદ પશ્ચિમ વિસ્તારના જાગૃત નાગરિકો દ્વારા એમજીવીસીએલના નાયબ ઈજનેરને એક અરજી આપવામાં આવી છે. જેમાં નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં વાયરોના શિફ્ટીંગનું કામ બંધ કરવાની માંગ કરવામાં આવી છે.
નડિયાદ પશ્ચિમ વિસ્તારની પુનિત કોલોનીથી જયપ્રભુ સોસાયટી વચ્ચે ૧૧ કે.વી. (ભારે દબાણ) લાઈનના શીફ્ટીંગની કામગીરી ચાલી રહી છે. ત્યારે સોસાયટીના રહીશોએ આ બાબતે વિરોધ નોંધાવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, સામાન્ય નાગરિકની માત્ર વાયર બદલવા કે અન્ય કોઈ સામાન્ય બાબત હોય તો તંત્ર તેની ઘોર ઉપેક્ષા કરતું હોય છે જ્યારે આ જૂની લાઈનો કે જે ખેતરોમાંથી પસાર થતી હતી તે લાઈન કેટલાક લોકોના લાભ સારુ જ્યારે શીફ્ટીંગ કરવામાં આવે છે ત્યારે આ કામગીરીમાં અંગત રસ દાખવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉપરાંત નડિયાદ પશ્ચિમના જાગૃત નાગરિકો દ્વારા આ બાબતે યોગ્ય નિકાલ ન થાય કે બીજો કોઈ વિકલ્પ ન મળે ત્યાં કામ બંધ રાખવાની માંગ કરી છે.