નડિયાદને મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો મળશે, શહેરીજનોમાં આનંદ
- વર્ષો જુની માંગણી આખરે સંતોષાઇ, આણંદ બાદ હવે નડિયાદ પણ મ્યુ.કોર્પોરેશન બનશે
- પાયાની સુવિધાઓમાં વધારો થશે, મેયર અને કમિશનર શહેરનું સુકાન સંભાળશે
નડિયાદ : ખેડા જિલ્લાની નડિયાદ નગર પાલિકાને મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો આપવાની બુધવારે નાણામંત્રીએ વિધાન સભાગૃહમાં જાહેરાત કરતા નડિયાદવાસીઓમાં આનંદની લાગણી ફેલાઇ જવા પામી હતી. નગરજનોએ તેમજ રાજકિય અગ્રણઓએ ફટાકડા ફોડીને , મીઠાઇઓ વહેંચીને ખુશી વ્યક્ત કરી હતી. ચરોતર પંથકમાં આણંદ બાદ હવે નડિયાદ પાલિકાને પણ મહાનગર પાલિકાનો દરજ્જો મળતા બંને શહેરોના વિકાસની ગતિ તેજ બનશે તેમજ શહેરીજનોની સુખાકારીમાં વધારો થશે.
અગાઉ વિધાનસભા સત્રામાં રાજ્યની આણંદ સહિતની સાત પાલિકાઓને મહાનગર પાલિકાનો દરજ્જો આપવાની સરકારે જાહેરાત કરી હતી. તે સમયે નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો ન મળતા શહેરીજનોએ ભારે દુખની લાગણી અનુભવી હતી. સંતરામ ભગવાનની ભુમી અને સરદાર વલ્લભભાઇ પટેલની જન્મભુમી પ્રત્યે વિકાસની બાબતમાં અન્યાય થયો હોવાની તે સમયે ખુબ કાગારોળ મચી હતી.
શહેરીજનોનો મિજાજ પારખીને અને નડિયાદ પણ મહાનગર પાલિકા બનવાને લાયક હોવાની ક્ષમતા ધરાવતું હોવાથી સરકારે આખરે રહી રહીને પણ વિધાનસભા સત્રમાં બુધવારે નડિયાદને મહાનગર પાલિકાનો દરજ્જો આપવાન જાહેરાત કરી હતી. વર્ષો જુની માંગણી આખરે સંતોષાતા નડિયાદવાસીઓ આનંદ, ઉમંગ અને ખુશીથી ઝુમી ઉઠયા હતા. મહાનગર પાલિકાનો દરજ્જો મળતાની સાથે હવે નડિયાદના વિકાસની ગતિ વધશે. રોડ, ગટર, પાણી, સ્ટ્રીટલાઇટ સહિતની પાયાની સુવિધાઓમાં વધારો થશે. રાજ્ય અને કેન્દ્ર સરકારની વિશેષ ગ્રાન્ટો મળતા વિકાસકામો અટક્યા વગર ચાલશે. શહેરને હવે નવા મેયર, મ્યુનિ.કમિશનર મળશે. કાઉન્સિલરોની સંખ્યા વધશે. શહેરને વોર્ડમાં વિભાજિત કરીને તેનો વોર્ડ વાઇઝ વિકાસ કરાશે. પાલિકામાં નવી ભરતીઓ થશે. જનહિતના કામો ઝડપી બનશે તેમજ પ્રોપર્ટીના ભાવ વધશે. પર્યટન તેમજ કોમર્શિયલ રીતે પણ શહેરનો વિકાસ થશે.
સંતરામ મંદિરના પૂજ્ય શ્રી સંતરામ મહારાજ અને સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિ નડિયાદને આજે મહાનગરપાલિકા નો દરજ્જો આપવામાં આવ્યો છે.જેને લઇને નડિયાદ શહેરના નાગરીકો અને કોર્પોરેટર સહિતના અગ્રણીઆમાં ભારે ઉલ્લાસની લાગણી છવાઈ ગઈ હતી. તેમજ સત્તાધારી પક્ષે આતશબાજી કરી સરકારના નિર્ણયને વધાવી લીધો હતો.
મહાનગર પાલિકા બનવાની આઠેક માસ સુધી પ્રોસસ ચાલશે
નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યુ હતુ કે, આજે નડિયાદ માટે ખૂબ મોટો આનંદનો વિષય છે. નડિયાદની પ્રજા, ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદારો સરકારના નિર્ણયને આવકારે છે અને મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલજીએ રજૂઆત કરી હતી, તેમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. મ્યુનિ. કોર્પોરેશન બનાવવાની પ્રોસેસ ૭થી ૮ મહિના ચાલશે અને પછી સીમાંકન નક્કી થશે. આ સમગ્ર મામલે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ,નડિયાદ નગરપાલિકાના પ્રમુખે સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો.
નડિયાદ મહાનગર પાલિકામાં 20 ગામોનો સમાવેશ કરાશે
રાજ્ય સરકારે નડિયાદ નગરપાલિકાને મનપા બનાવવાની જાહેરાત કરી છે. પરંતુ હજુ સીમાંકન નક્કી કરતા ૮થી ૧૦ મહિનાનો સમય લાગે તેમ છે. પરંતુ આ વચ્ચે નડિયાદ મનપામાં ડભાણ, યોગીનગર, ડુમરાલ, ટુંડેલ, બિલોદરા, મંજીપુરા, મરીડા, કમળા, ઉતરસંડા, ફતેપુરા, ભુમેલ, પીપલગ, સલુણ તળપદ, સલુણ વાંટા, પીજ, પીપળાતા, કેરીઆવી, હાથનોલી, ગુતાલ, દાવડા સહિતના ગામોનો સમાવેશ કરવામાં આવી શકે તેવી સંભાવના છે.