ખેડા જિલ્લાના ખેડૂતોને નહેરમાંથી પાણી આપવા સાંસદની રજૂઆત
- દેવુસિંહ ચૌહાણે મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીને પત્ર લખી મહી નહેરમાં પાણી છોડવા જણાવ્યું
નડિયાદ, તા. 12 જુલાઈ 2020, રવિવાર
ખેડા જીલ્લાના ખેડુતોને નહેરમાંથી પાણી આપવાની ખાસ રજૂઆત રાજયના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીને કરવામાં આવી છે.જેમાં કડાણા ડેમ ખાતે સેફટીની કામગીરી દસથી બાર દિવસ ચાલનાર હોઈ પાણી છોડી શકાય તેમ નથી. આથી નર્મદા મુખ્ય નહેરમાંથી મહિ નહેરમાં પાણી છોડવા અંગે રજૂઆતો કરવામાં આવી છે.
ખેડા જીલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને લખેલ પત્રમાં જણાવ્યું છે કે, ખેડા જીલ્લાના ખેતીલાયક વિસ્તાર કડાણા ડેમના કમાન્ડ વિસ્તારમાં આવેલ છે. આ વિસ્તારની ખેતી મોટેભાગે મહિ સીંચાઈની નહેરો પર આધારિત છે. જીલ્લામાં રાજ્ય અને અન્ય વિસ્તારો કરતાં નહિંવત વરસાદ હોવાથી ખેડૂતોને ડાંગર રોપણીમાં મુશ્કેલી થઈ રહી છે અને ધરુ બગડી જાય તેમ છે. હાલમાં કડાણા ડેમ ખાતે ડેમ સેફટીની કામગીરી દસથી બાર દિવસ ચાલનાર હોઈ કડાણા ડેમમાંથી પાણી છોડી શકાય તેમ નથી. જેના પર્યાય સ્વરૃપે પાનમ ડેમમાંથી આશરે પાંચ હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું હતું જેના કારણે મહિ તથા સેઢી કમાન્ડમાં ૨,૭૨,૫૧૫ હેક્ટરમાં વાવણી કરવામાં આવેલ છે. હાલ પાનમ ડેમમાંથી પાણી છોડાઈ રહેલ જે મર્યાદિત જથ્થાને કારણે આજે સવારે સાડા નવ કલાકે પાણી બંધ કરવામાં આવ્યું છે. જેથી ખેડૂતોના પાકને નુકસાન થવાની શક્યતા છે.
ઉપરોક્ત બાબતો ધ્યાને લઈ ખેડૂતોના પાકને નુકસાન ન થાય ધરુ બગડે નહિં માટે આ સમયગાળા દરમ્યાન નર્મદા મુખ્ય નહેરમાંથી મહિ નહેરમાં પાણી છોડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. જેથી સત્વરે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી છે.