મહેમદાવાદમાં ગંદકીના ઢગલા, મુખ્ય રસ્તો કચરાની ડમ્પિંગ સાઇટ બની


- રાહદારીઓ મોંઢે રૂમાલ બાંધીને પસાર થવા મજબૂર

- પાલિકાતંત્રની સફાઇ કામગીરી સામે પ્રશ્ન, લોકો વેરા ભરે છે છતાંય સુવિધા મળતી નથી

નડિયાદ  : મહેમદાવાદ જકાતનાકા ડેરી રોડ પર કચરાના ઢગલાથી પારાવાર ગંદકી જોવા મળી રહી છે. અસહ્ય દુર્ગંધના કારણે રાહદારીઓ પણ મોંઢે રૂમાલ બાંધીને પસાર થવા મજબૂર બન્યા છે. પાલિકા તંત્ર દ્વારા સફાઇની કામગીરીમાં કેટલી હદે વેઠ ઉતારવામાં આવી રહી છે તેનું આ સ્થળ એક ઉત્તમ ઉદાહરણ છે. લોકો પાસેથી સફાઇ સહિતના વેરા ઉઘારાવાય છે, ચૂંટણીઓમાં પ્રાથમિક સુવિધાના મુદ્દે મત માંગવામાં આવે છે તો પછી આવું કેમ ? તે પ્રશ્ન મહેમદાવાદમાં ચર્ચાએ ચઢ્યો છે.

મહેમદાવાદ શહેરમાં જકાતનાકા રોડ લોકોની અવર જવરથી ધમધમતો રહે છે. ત્યારે આ રોડ પર દૂધ મંડળી નજીક ગંદકી અને કચરાના ઢગલા ખડકાયેલા રહે છે. આ ગંદકી કચરો ભારે દુર્ગંધ મારતો હોય સ્થાનિક રહીશામાં ભારે આક્રોશ વ્યાપ્યો છે.

મહેમદાવાદ નગરપાલિકા દ્વારા સ્વચ્છ શહેર, સ્વસ્થ શહેરની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે. મહેમદાવાદ નગરપાલિકા સફાઈ કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરે છે.  આમ છતાં નગરજનોની અવરજવરથી ધમધમતા જાહેર રસ્તાઓ પર ગંદકી અને કચરાના ઢગલા જોવા મળે છે. જેમાં મહેમદાવાદ સહકારી દૂધ મંડળીમાં દૂધ ભરવા તેમજ દૂધની ખરીદી કરવા સવાર સાંજ લોકોની ભારે અવરજવર રહે છે. આ ઉપરાંત માર્કેટ યાર્ડ, કોમશયલ કોમ્પ્લેક્સ તેમજ રહેણાંક સોસાયટી આવેલ છે. ત્યારે જકાતનાકા રોડ પર દૂધ મંડળી વિસ્તારમાં સાફ-સફાઈ કરવામાં ભારે બેદરકારી દાખવવામાં આવી રહી છે. જેથી દૂધ મંડળી નજીક ગંદકી કચરાના ઢગલા હોય પશુઓ કચરો વેરવિખેર કરતા હોય છે. જેથી લોકોને અવરજવર કરવામાં ઘણી મુશ્કેલી પડે છે. ગંદકી કચરાના ઢગલા ભારે દુર્ગંધ મારતી હોય લોકોમાં રોષ વ્યાપ્યો છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા જકાતનાકા ડેરી રોડ પર નિયમિત સફાઈ કરવા માંગણી ઉઠવા પામી છે.

City News

Sports

RECENT NEWS