મહંત પૂ. રામદાસજીએ રાબેતા મુજબ સવારથી ભાવિક ભક્તોને દર્શન આપ્યા
- સંતરામ મંદિરના મહંત ક્વૉરન્ટાઈન થયાની અફવા : ભક્તોમાં ઉચાટ
- અફવાથી ભક્તોનાં ટોળાં મંદિરમાં ધસી આવ્યાં : માનદ સેવકને કોરોના થતા રસોઈયાને કોરોના થયાની પણ અફવા ઉડી
નડિયાદ, તા.29 જૂન 2020, સોમવાર
નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરના મહંત કોરોનાને કારણે કવૉરન્ટાઇલ થયા તેવી અફવાથી આજે શહેર તથા જિલ્લામાં અફડાતફડી મચી ગઇ હતી. હકિકતમાં મહારાજશ્રી પોતે આજે આખો દિવસ પોતાના ગાદી સ્થાનેથી દરેક ભક્તોને સોશ્યલ ડિસ્ટન્સ સાથે મળતા રહ્યા છે. વળી તેઓના કોઇ અંગત રસોઇયાને કોરોના પોઝીટીવ થયો હોવાની વાતને પણ રદિયો અપાયો છે.
આજે વહેલી સવારથી જ સંતરામ મંદિરના મહંત પૂ.રામદાસજી મહારાજ કોરન્ટાઇલ થયાની અફવાથી જિલ્લાના હજારો ભાવિક ભક્તોમાં ઉચાટ વ્યાપ્યો હતો. આ સમાચાર વાયુવેગે અમેરિકા સુધી ફેલાઇ ગયા હતા અને મંદિરની ફોનની ઘંટડીઓ અવિરત્ કલાકો સુધી રણક્યા કરી હતી. બીજી તરફ ભક્તોના ટોળેટોળા ઉમટયા હતા. અને મહારાજશ્રીની તબિયતની ચિંતામાં મંદિર પરિસરમાં ધસી આવ્યા હતા.
સંતરામ મંદિરના સૂત્રોએ આજે વિધિવત્ રીતે જણાવ્યું હતું કે આ હકિકત તદ્દન ખોટી છે. પૂ. મહારાજશ્રી પોતાની નિયત ગાદીએ બેસીને જ છેલ્લાં ત્રણ મહિનાથી જે રીતે સોશ્યલ ડિસ્ટન્સ સાથે દર્શન આપે છે તે રીતે આજે વહેલી સવારથી જ આખા દિવસ દરમ્યાન દર્શન આપતા રહ્યા છે. આ ઉપરાંત તેમના કોઇ અંગત કે કાયમી રસોઇયાને કોરોના પોઝીટીવ થયો નથી. પરંતુ મંદિરના જ હોસ્પિટલ વિભાગના અન્ય એક માનદ્ સેવકને કોરોના પોઝીટીવ થયો છે.
આ અફવાને કારણે ઉમટી પડેલા ભક્તોના ટોળેટોળાને ખુદ મહારાજશ્રીએ જ દર્શન આપીને શાંત પાડયા હતા. આ ઉપરાંત મહંત પૂ. રામદાસજી મહારાજ તથા મંદિરના અન્ય સર્વે સંતગણનું ચાર ડોક્ટરોની ટીમે મેડિકલ સ્ક્રીનીંગ કર્યું હતું. જેમાં ડૉ.કલાપી, ડો.દિપક મિસ્ત્રી, ડૉ.તેજશ શાહ, ડૉ.એસ.આર.શાહનો સમાવેશ થાય છે. તેઓએ દાક્તરી તપાસ બાદ મહંતશ્રી તથા સર્વે સંતો સંપૂર્ણ સ્વસ્થ છે અને કોઇપણ પ્રકારનો કોરોનાનો ભય નથી એમ જાહેર કરતા મંદિરના હજારો ભક્તોએ રાહતનો દમ લીધો હતો.