mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

નડિયાદમાં મોડી રાત્રે વીજ કચેરીમાં ગ્રાહકોનો હલ્લાબોલ

Updated: May 26th, 2024

નડિયાદમાં મોડી રાત્રે વીજ કચેરીમાં ગ્રાહકોનો હલ્લાબોલ 1 - image


- શુક્રવારે રાત્રે 6 વખત વીજ પુરવઠો આવ-જા કરતા લોકો ઉશ્કેરાયા

- અસહ્ય ગરમીમાં રાત્રે પણ લોકો બફારામાં રહેવા મજબૂર બન્યા : વીજ તંત્ર સામે રોષ

નડિયાદ : નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં શુક્રવારે રાત્રે છ વખત વીજળી ગુલ થતાં શહેરીજનોની હાલત કફોડી બની હતી. જેથી અકળાયેલા શહેરીજનો રાત્રે એમજીવીસીએલની કચેરીએ પહોંચ્યાં હતાં અને હલ્લાબોલ કરી સૂત્રોચ્ચાર કર્યાં હતાં. ત્યારે હીટવેવમાં ઓવરલોડના કારણે સમસ્યા સર્જાઈ હોવાનો દાવો વીજ તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો. 

નડિયાદમાં શુક્રવારે ૪૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જેના કારણે દિવસે આકરો તાપ પડતા રાત્રિના સમયે ગરમ પવન અને ભારે ઉકળાટ-બાફ મારી રહ્યો હતો. દરમિયાન પશ્ચિમ વિસ્તારમાં રાત્રે ૬ વખત સતત વીજળી ગુલ થઈ ગઈ હતી. વારંવાર વીજ પુરવઠો બંધ થઈ જતાં સ્થાનિકો ઉકળાટમાં હેરાન પરેશાન થઈ ગયાં હતાં. તેમજ કેટલાક વીજ ઉપકરણોમાં ખામી સર્જાવાની ફરિયાદો ઉઠી હતી. 

જેથી ૫૦થી વધારે લોકોનું ટોળું મોડીરાત્રે એમસીજીવીસીએલ કચેરીએ ધસી આવ્યું હતું અને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. સરકાર અને પ્રસાશન દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાની કવાયત કરવામાં આવે છે, તેના બદલે જૂના અને બિસ્માર બનેલા વીજ ડીપી, વીજ થાંભલા અને કનેક્શન માટે નાખેલા વાયરોની ગુણવત્તા સુધારવામાં ધ્યાન આપે તો લોકોને યોગ્ય સુવિધા મળી શકે તેમ છે તેવો રોષ ટોળાએ વ્યક્ત કર્યો હતો. 

આ સમગ્ર મામલે નડિયાદ પશ્ચિમ વીજ વિભાગના નાયબ ઈજનેર પ્રવિણભાઈ પટેલે જણાવ્યું હતું કે, હાલ હીટવેવમાં લોડિંગ વધી જવાથી સમસ્યા સર્જાઈ રહી છે. લોકોએ નવા એ.સી. અને કુલર સહિતના ઉપકરણો લગાવી તેની નોંધણી કર્યા વગર વપરાશ શરૂ કરી દેતા વીજ વપરાશ વધી ગયો છે અને સમસ્યા થઈ રહી છે. તંત્ર દ્વારા સમસ્યાના ઉકેલના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Gujarat