બહેન સાથે આડાસંબંધનો વહેમ રાખીને યુવાનનું મિત્રએ જ કાસળ કાઢ્યાનું ખૂલ્યું
- હાથીપુરાની સીમમાં યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો
- હત્યારાએ યુવાનને ઢોરમાર મારી મોતને ઘાટ ઉતારી નગ્ન લાશને એક ખેતરમાં ફેંકી દીધી હતી
નડિયાદ,તા. 14 જુન 2020, રવિવાર
નડિયાદ તાલુકાના ફતેપુરા ગામની સીમ વિસ્તારમાં થયેલ યુવકની હત્યાનો ભેદ ગણતરી કલાકોમાં ઉકેલી લેવામાં આવ્યો છે.જેમાં મરનારની સાથે રહેનાર વ્યક્તિએ વહેમ અને શંકાના આઘારે હત્યા કરી હોવાનુ પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર હાથીપુરા સીમમાં ૩૯ વર્ષના રામાભાઈ શકરાભાઈ પરમાર રહેતા હતા. મૂળ કઠલાલના રામાભાઇ ફતેપુરામાં તેમની બહેન સાથે રહેતા હતા. ગત મોડી રાત્રે વરસાદ પડતા તેઓ ઘરની બહાર નીકળ્યા હતા.પરંતુ કલાકો વીતવા છતાં રામાભાઈ ઘરે પરત ફર્યા ન હતા અને વહેલી સવારે હાથીપુરા સીમના એક ખેતરમાં રામાભાઈની હત્યા કરાયેલ નગ્ન લાશ મળી આવી હતી.માથાના અને પગના ભાગે તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઇ હોવાનું બહાર આવ્યું હતું.
આ બનાવ અંગે જીલ્લાના ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હતી.તપાસ દરમ્યાન મૃતક રામાભાઇની સાથે ભલાભાઇ ગોહેલ હોવાનુ બહાર આવ્યુ હતુ.જેથી પોલીસે ભલાભાઇની પૂછપરછ કરી બનાવના સ્થળે લઇ જઇ પૂછપરછ કરતા તેમણે જણાવ્યુ હતુ કે મારી વિઘવા બહેન સાથે રામભાઇનો આડાસંબંધ હોવાનો વહેમ હતો.અને અવાર નવાર ગંદી ગાળો બોલતા હતા. ગત તા.૧૨-૬-૨૦૨૦ ના રોજ મૃતક રામાભાઇ ભલાભાઇની સાથે હતા.તે સમયે રામભાઇ બહેન સમાણી ગાળો બોલવા લાગ્યા હતા.જેથી ભલાભાઇએ મૃતકના શરીરે ગંભીર ઇજાઓ પહોચાડી મોત નિપજાવ્યુ હતુ.પોલીસ ટીમે ભલાભાઇને આજરોજ અટક કરી વધુ પૂછપરછ કરી છે.