સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે રથયાત્રા મંદિર પરિસરમાં જ ફરશે
- અમદાવાદ સહિત રાજ્યનાં અન્ય સ્થળોના પગલે
- યાત્રિકો કે સ્થાનિક શ્રદ્ધાળુઓ ભાગ નહીં લઈ શકે સેવકો, મંદિર સ્ટાફ અને પોલીસ ભાગ લેશે
નડિયાદ, તા.23 જૂન 2020, મંગળવાર
સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં કાલે બુધવારે રથયાત્રા ઉત્સવ ઉજવવામાં આવશે પરંતુ આ યાત્રા મંદિર પરિસરમાં જ ફેરવવામાં આવશે. આ રથયાત્રાનો યાત્રિકો કે શ્રધ્ધાળુઓ લાભ નહીં લઈ શકે. જો કે આ અંગે ટેમ્પલ બોર્ડના બે મેનેજરોમાં મતમતાંતર જોવા મળ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયજી મંદિરમાં રથયાત્રા ઉત્સવ આજરોજ ઉજવવામાં આવશે. આ ઉત્સવ ફક્ત મંદિર પરિસરમાં જ ઉજવાશે જેમાં ત્રણ સેવક સમાજના અંદાજીત ૬૦ વ્યક્તિ અને મંદિર કર્મચારી સ્ટાફ, પોલીસ સ્ટાફ સિવાય કોઈને મંદિરમાં પ્રવેશની મંજૂરી આપવામાં નહીં આવે.
રણછોડયરાયજી મંદિર સવારે ૬.૧૫ કલાકે ખુલી ૮.૪૫ના અરસામાં ચાંદી અને પીત્તળના રથનું અઘવાસન કરવામાં આવશે અને ગોપાલલાલજીને ચાંદીના રથમાં બિરાજમાન કરાવવામાં આવશે અને પુષ્યનક્ષત્રમાં ઘુમ્મટમાં રથની પાંચ પ્રદક્ષિણા ફેરવવામાં આવશે. મંદિર પરિસરમાં બે કુંજ મંદિર તરફથી તેમજ બે કુંજ વૈષ્ણવ તરફથી બનાવવામાં આવશે. જેમાંથી એક કુંજ ગોપાલલાજીની પેઢીએ અને બીજો કુંજ દાગીના ઘરમાં બનાવવામાં આવશે. અને જે કુંજ વૈષ્ણવ તરફથી બનાવાશે તે ઘંટીઘરના ઓટલા ઉપર અને બીજો કુંજ કાચના ઓટલા પર બનાવવામાં આવશે. બપોરના ૨.૦૦ વાગ્યા સુધીના અરસામાં મંદિર પરિસરમાં રથ ફેરવવામાં આવશે. આ બાદ ઈંન્ડીપીન્ડીથી નજર ઉતારીને ગોપાલલાલીજને નિજમંદિરમાં લઈ જવામાં આવશે અને મંદિર બંધ કરી દેવામાં આવશે.
મંદિર પ્રવેશને લઈને ડાકોર નગરજનો અને સેવક આગેવાનોમાં રોષ ફેલાયો છે ત્યારે મંદિરમાં રથ ફેરવવાના છે તો ગામમાં કોઈ કોરોનાનો કેસ આવેલ નથી તો ડાકોરના રહીશોને તો દર્શન કરવા જવા દેવાની રજૂઆત કલેક્ટરને ડાકોર શહેર પ્રમુખ રાજેશભાઈ અને સંગઠન પ્રમુખ રાકેશભાઈએ કરી છે. જો કે મંદિર પ્રવેશ અંગે બે મેનેજરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
જેમાં ડાકોર ટેમ્પલ કમિટિના મેનેજર અરવિંદભાઈના જણાવ્યા અનુસાર મંદિરના સેવક પરિવાર સિવાય મંદિરમાં અન્ય કોઈ વ્યક્તિ આવી શકશે નહી. આ ઉપરાંત મીડીયાકર્મી પણપ્રવેશ નહી કરીશકે જ્યારે બીજા એક મેનેજર જે.પી. દવેના જણાવ્યા અનુસાર હજી ડાકોરમાં કોઈ કોરોનાનો કેસ આવ્યો નથી તો ડાકોરના ર હીશોને દર્શન કરવા પ્રવેશ આપવો જોઈએ. આમ બંને મેનેજરોમાં પણ મતભેદ જોવા મળ્યો હતો.
ભક્તોને હાથી-ઘોડા, પાલખી, ડંકા નિશાન બાંસૂરીના સૂર, ઢોલ-મંજીરાનો લાભ નહીં મળે
નડિયાદ, તા.23 જૂન 2020, મંગળવાર
કોરોના વાઈરસની મહામારીમાં ૨૪૭ વર્ષ જુની ડાકોર મંદિરની પરંપરાને પણ ગ્રહણ લાગ્યું છે. શ્રીજી મહારાજ નગરચર્યા માટે નહી નીકળી શકે તેવી જીલ્લા પ્રશાસન અને મંદિર વચ્ચેની આંટીઘૂંટીમાં ભાવિક ભક્તોના દિલ તૂટયા છે. શ્રીજીની રથયાત્રા એટલી સાદગીથી નીકળવાની છે કે જેમાં ભક્તોને હાથી, ઘોડા, પાલખી, ડંકા નિશાન, બાંસુરીના સૂરો, મંજીરાના અવાજ કે ઢોલ નગારાના નાદ સાંભળવા મળશે નહિં અને ભક્તો વિના જ રથયાત્રા યોજવામાં આવશે. આખું વર્ષ ભક્તો ભગવાનના મંદિરે જાય છે જ્યારે એક દિવસ પ્રભુ જાતે પોતાના ભક્તોને દર્શન આપવા માટે બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે વાજતેગાજતે નીકળે છે અને ગોમતી પ્રદક્ષિણા કરીને નિજમંદિરે પરત આવે છે.પરંતુ આ વર્ષે ભગવાનને પણ મંદિર પરિસરમાં જ ફેરવવામાં આવશે.