મહેમદાવાદના રોહીસા ગામમાં દિવસોથી ભૂખી ગાયો માટે ઘાસચારો મંગાવાયો
- ગામના યુવકને જાણ થતા આરએસએસના કાર્યકરને જાણ કરી ઘાસચારો પૂરો પાડયો
મહેમદાવાદ, તા.15 મે 2020, શુક્રવાર
મહેમદાવાદ તાલુકામાં લોકડાઉનની પરિસ્થિતીમાં માનવતા મહેંકી ઉઠી છે.ગામના યુવકે સ્થાનિક ઘારાસભ્યની મદદથી ગામના તબેલાના અબોલ પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મહેમદાવાદ તાલુકાના રોહિસા ગામમાં અમદાવાદના પરેશભાઇ પટેલનો ગાયોનો તબેલો આવેલો છે.છેલ્લા એક મહિનાથી લોકડાઉનના કારણે પરેશભાઇ પોતાના ગાયોના તબેલે આવી શકતા નથી.જેથી ગાયો માટેના ઘાસચારોનો પ્રશ્ન વિકટ બન્યો હતો.આ ઉપરાંત ઘાસચારાને અભાવે બે ગાયોના મૃત્યુ નિપજ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યુ હતુ.આ અંગે રોહિસા ગામે રહેતા બળદેવભાઇ દેસાઇને જાણ થઇ હતી.જેથી તેઓ તાત્કાલિક પરેશભાઇના ગાયોના તબેલાએ જઇ સમગ્ર પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો.
જેથી બળદેવભાઇ દેસાઇએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જેસંગભાઇ ચૌહાણને પરિસ્થીતીથી રૃબરૃ કરાવ્યા હતા.જેસંગભાઇ દ્વારા અરવિંદભાઇ ચૌહાણ અને બીજા કેટલાક વ્યક્તિઓને ભૂખી ગાયો માટેના ઘાસચારાની વ્યવસ્થા કરવા જણાવ્યુ હતુ.આથી સ્થાનિક ઘારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ગાયો માટે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી હતી.આમ લોકડાઉનના સમયે ભૂખી રહેલ ગાયો માટે ઘાસચારાની વ્યવસ્થા કરી માનવતા મહેંકાવી છે.