નડિયાદમાં કોરોના પોઝિટિવ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવતા રજા અપાઈ
- મહેમદાવાદના કાચ્છાઈ વાંટા સીમ વિસ્તારના 70 વર્ષીય વૃદ્ધ એન.ડી. દેસાઈ હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતા
નડિયાદ, તા.29 મે 2020, શુક્રવાર
ખેડા જિલ્લાના વડા મથક નડિયાદના વધુ એક કોરોના પોઝીટીવ દર્દીનો રીપોર્ટ નેગેટીવ આવતા આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. મહેમદાવાદ તાલુકાના કાચ્છઇ ગામના બાબરભાઇ બબાભાઇ બારૈયા ઉં.૭૦ આજે કોરોનાને મ્હાત આપી ઘરે પરત આવ્યા છે.
મહેમદાવાદ તાલુકાના કાચ્છઇ વાંટા સીમવિસ્તારમાં આવેલ ૧૮૬ ગેટ પાસે રહેતા બાબરભાઇ બબાભાઇ બારૈયા ઉં.૭૦ નો રીપોર્ટ તા.૨૦ મે ના રોજ પોઝીટીવ આવ્યો હતો. બાબરભાઇને શ્વાસની બીમારી તેમજ પેટમાં દુખાવો રહેતો હતો.ગત તા.૧૯-૫-૨૦ ના રોજ તેઓ કાચ્છઇ પી.એચ.સી ખાતે સારવાર અર્થે આવ્યા હતા.
જ્યા પ્રાથમિક સારવાર આપી મહેમદાવાદ સી.એચ.સી ખાતે એકસ-રે લેવામાં આવ્યો હતો.આ ઉપરાંત કોવિડ-૧૯ અંતર્ગત શંકાસ્પદ દર્દી જણાતા સી.એચ.સી ખાતે કોરોના અંતર્ગત ટેસ્ટ સેમ્પલ લીધેલ હતુ.જે ગત તા.૨૦-૫-૨૦ ના રોજ નડિયાદ આરોગ્ય કચેરી ખાતેથી તાલુકા આરોગ્ય અધિકારી મહેમદાવાદના બાબરભાઇ બારૈયાને કોરોના પોઝીટીવ હોવાનુ જણાવ્યુ હતુ.આ બાદ બાબરભાઇ બારૈયાને ૧૦૮ મારફતે નડિયાદ શહેરની એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.
આજે બાબરભાઇ બારૈયાનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવતા તેમને હોસ્પિટલના સ્ટાફે ફુલ અને તાળીઓના ગળગળાટ સાથે હોસ્પિટલમાંથી વિદાય આપી હતી. જિલ્લામાં અત્યાર સુધી ૪૫ કોરોના દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવતા તેમને રજા આપવામાં આવી છે.