મહીસાગર જિલ્લામાં કોરોનાનો સળવળાટ 1 સાથે 4 કેસ નોંધાતા ચકચાર
- બાલાસિનોરમાં 2 અને લુણાવાડા-વિરપુરમાં 1-1 કેસ : કુલ કેસોનો આંક હવે 142
બાલાસિનોર, તા. 23 જૂન 2020, મંગળવાર
મહિસાગર જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહેવા પામ્યો છે. જિલ્લામાં વધુ ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જેમાં લુણાવાડા શહેરમાં એક બાલાસિનોરમાં શહેર વિસ્તારમાં ૨ અને વીરપુરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેશો આવતા જિલ્લામાં કુલ ૧૪૨ થવા પામ્યો છે.
બાલાસિનોર શહેરી વિસ્તારમાં તેમજ તાલુકામાં છેલ્લાં ૨૫ થી ૩૦ દિવસ સુધી એક પણ કેસ ના આવતા પ્રજા દ્વારા બજારમાં મોં પર માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ ભુલાઈ ગયું હતું અને બજારમાં ભીડ જોતા જાણે પ્રજામાં કોરોનાનો ભય ના હોય તેમ જણાતું હતું જિલ્લામાં વધતાં કોરોનાના કેશોના કારણે લુણાવાડા વેપારી મંડળ દ્વારા બજાર સવારે આઠ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી બજારો ખુલ્લા રાખવા અને જરૃરી સૂચનાઓ જેવી કે માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ રાખવા ખાસ ભાર મૂકવા નક્કી કરાયું હતું.
બાલાસિનોર નગરમાં બજારમાં નવા કેસો આવતા ખાસ તકેદારી રખાય એ અતિ જરૃરી છે. નગરના સલીયાવડી દરવાજા પાસે કાછિયા જ્ઞાાતિમાં એક કેસ તેમજ સાંઈનગર સોસાયટીમાં અમદાવાદ આવતા-જતા યુવકને કોરોના પોઝિટિવ થયાનું જાણવા મળે છે. આમ જિલ્લામાં કુલ ૧૩ એક્ટિવ કેશો છે, ૨૪૦ વ્યક્તિઓ જિલ્લામાં હોમ ક્વૉરેન્ટાઇન છે, કુલ મૃત્યુઆંક બે અને એક અન્ય કારણોથી મૃત્યુ નોંધાયેલ છે. ૧૨૬ વ્યક્તિઓને સ્વસ્થ થતાં રજા અપાયેલ છે. જિલ્લામાં અત્યાર સુધી ૪૦૨૨ વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં ૩૭૮૦ સેમ્પલ નેગેટિવ આવ્યા હતાં.