Get The App

ખેડા તાલુકાના નાયકામાં ખારીકટ કેનાલની પાળો તૂટતાં 200 વીઘા જમીનમાં પાણી ઘૂસ્યાં

- ઈરિગેશન વિભાગની ગંભીર બેદરકારીના પરિણામે

- બે ગેટના દરવાજા કાટ ખવાતા કારખાનાંઓનું દૂષિત પાણી પણ ભળ્યું હોવાથી ડાંગરની રોપણી અટકી પડી

Updated: Jun 16th, 2020

GS TEAM

Google News
Google News
ખેડા તાલુકાના નાયકામાં ખારીકટ કેનાલની પાળો તૂટતાં 200 વીઘા જમીનમાં પાણી ઘૂસ્યાં 1 - image


નડિયાદ, તા.16 જૂન 2020, મંગળવાર

ખેડા તાલુકાના નાયકા ગામે ઇરીગેશન વિભાગની બેદરકારી સામે આવી છે. જેના કારણે ખારીકટ કેનાલની પાણીની પાળો તુટી જતા આશરે ૨૦૦ થી વધુ વીઘા જમીનમાં પાણી ફરી વળતા ખેડુતો મુશ્કેલીમાં મૂકાયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ખેડા તાલુકાના નાયકા ગામના મહાદેવપુરાથી આગળ ખારીકટ કેનાલના બંધ નં. ૨૬ના બે ગેટના દરવાજા ઘણા સમયથી કાટ ખવાઈ ગયા છે. જેના કારણે દરવાજાઓ જર્જરીત બની નીચે બેસી ગયા છે. આ સમયે પાણસોલી ગામ તરફથી આવતી મેશ્વો કેનાલમાં અમદાવાદના વટવા જીઆઈડીસી કારખાનાઓનું દુષિત કેમીકલ યુક્ત પાણી આ કેનાલમાં વધુ પ્રમાણમાં છોડવામાં આવે છે. આ સાથે વરસાદી પાણીના નિકાલ માટે ઈરીગેશન વિભાગ દ્વારા પણ વધુ પાણી છોડવામાં આવતાં બંધ નં. ૨૬થી મહાદેવપુરા તરફ જવાના રસ્તે કેનાલ તૂટી જવાથી આ વિસ્તારના ખેતરોમાં કેમીકલયુક્ત પાણી તથા વરસાદી પાણીનો ડબલ ભરાવો થઈ ગયો છે.

હાલ ખેડૂતો દ્વારા ડાંગરના પાક માટે ધરુવાડીયામાં ડાંગરનું ધરુ તૈયાર છે ત્યારે તેમાં આ પાણી ફરી વળતાં ડાંગર રોપણીના સમયે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. આ વિસ્તારના ખેડૂતો વારંવાર સીંચાઈ વિભાગને વિનંતી કરીને ખારીકટ કેનાલના બંધના લોખંડના સડી ગયેલા દરવાજા બદલવાની રજૂઆત કરી છે. તેમ છતાં તંત્ર દ્વારા નજરઅંદાજ કરાતા ખેડૂતોને ઔદ્યોગીક કારખાનાના કેમીકલયુક્ત પાણી અને ઉપરવાસના વરસાદી પાણીનો નિકાલ કરવાથી તંત્રના વાંકે ખેડૂતોની માઠી દશા બેઠી છે.

ખેડા તાલુકાના નાયકા ગામે ઇરીગેશન વિભાગની બેદરકારી સામે આવી છે. જેના કારણે ખારી કેનાલની પાણીની પાળો તુટી જતા આશરે ૨૦૦ થી વધુ વીઘામાં પાણી ફરી વળ્યા છે.જેના કારણે ખેડુતો મુશ્કેલીમાં મૂકાયા છે.

Tags :