ફતેપુરામાં રાષ્ટ્રીય પક્ષી 6 મોરનાં બિયારણ ખાવાથી મોત થતા ચકચાર
- ગળતેશ્વર તાલુકાના વાંધરોલી ગ્રામ પંચાયતના પેટા ગામ
- ખેતરમાં મૃતદેહો જોતા લોકોએ વનવિભાગને જાણ કરી બિયારણમાં કોઈએ દવા મિક્સ કરી હોવાની શંકા
નડિયાદ, તા. 6 જુલાઈ 2020, સોમવાર
ગળતેશ્વર તાલુકાના વાંઘરોલી ગ્રામ પંચાયતના પેટા ગામ ફતેપુરામાં છ-રાષ્ટ્રીયપક્ષી મોરના મૃત્યુ નિપજયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.આ બનાવની જાણ વન વિભાગ અને જીવ દયા સંસ્થાને થતા ઘટના સ્થળે દોડી આવી તપાસ આરંભી છે.મોરના મૃતદેહને સન્માન સાથે પી.એમ માટે લઇ જવામાં આવ્યા છે.
વાંઘરોલી ગ્રામ પંચાયતમાં આવેલ ફતેપુરા ગામની સિમમાં રાષ્ટ્રીયપક્ષી મોરના મૃતદેહ મળી આવતા હંડકંપ મચી છે.ગામના જાગૃત નાગરિકને આ બનાવની જાણ થતા તેઓ અને કેટલાક ગ્રામજનો સાથે સિમવિસ્તારના ખેતરોમાં જઇ તપાસ આરંભી હતી.તપાસ કરતા ગામના એક ખેતરમાં પાંચ મોરના મૃતદેહ પડેલા જોવા મળ્યા હતા.જેથી તેઓએ આ બનાવની જાણ ઠાસરા વન વિભાગને અને ડાકોરની એક જીવદયા સંસ્થાને કરી હતી.જેથી વનવિભાગે મેનપુરા વનવિભાગ ને જાણ કરી હતી.જેથી મેનપુરા વનવિભાગ અને જીવદયા સંસ્થા સ્થળ આવી પહોચી હતી.
આ બાદ તપાસ કરતા એક ખેતરમાં પાંચ મોર અને બાજુના એક ખેતરમાં અન્ય એક એમ મળી કુલ છ મોરના મૃતદેહ મળી આવ્યા હતા.આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફતેપુરા સિમમાં આવેલ એક ખેડુતના ખેતરમાં ડીસ્પોકલેમની પ્લેટમાં મગફળીનુ બિયારણમાં કોઇ દવા ઉમેરીને મૂકવામાં આવ્યુ હોય તેવુ નજરે પડયુ છે.જે શંકાસ્પદ જણાઇ આવી હતી.જેથી આ તમામ મોરને પી.એમ માટે મોકલી આપવામાં આવ્યા છે.
ફતેપુરા ગામમાં રાષ્ટ્રીય પક્ષીઓ મોરનુ મૃત્યુ થયુ હોવા છતા આ બનાવ અંગે સ્થાનિક સરપંચ અને તલાટી અજાણ હોવાનુ સુત્રો પાસેથી જાણવા મળ્યુ છે.
આ ઉપરાંત ફતેપુરા ગામના સરપંચને રાષ્ટ્રીયપક્ષીનુ નામ પણ ખબર નથી.અને આ ઘટના સોમવારે સવારે બની હતી તેમ છતા બપોરના ૧.૦૦ વાગ્યા સુધી ઘટનાથી અજાણ હોવાનુ ફોન પર જણાવ્યુ હતુ.
આ ઉપરાંત વાઘરોલી ગ્રામ પંચાયતના સરપંચ પણ આ બનાવ અંગે અજાણ છે.આ અંગે ગ્રામજનોએ જણાવ્યુ હતુ કે ફતેપુરા ગામના સરપંચને રાષ્ટ્રીય પક્ષીના નામની ખબર નથી અને ઘટનાથી પણ અજાણ હોય તો ગામનો વહીવટ કેવી રીતે કરતા હશે.
પીએમ કર્યા બાદ મંગળવારે રિપોર્ટ આવશે : સુપરવાઈઝર
આ બનાવ અંગે મેનપુરા જંગલ ખાતા સુપરવાઇઝરે જણાવ્યુ હતુ કે આજે મૃત્યુ પામેલા છ મોરને ડાકોર વેટનરી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.જ્યા તમામ છ મોરનુ પી.એમ. કરવામાં આવશે.જે મંગળવારના રોજ રીપોર્ટ આવશ તેમ જણાવ્યુ હતુ.